મહારાષ્ટ્ર અને કર્ણાટકની ડુંગળી બજારમાં આવે તે પહેલા ભાવ 100 રૂપિયાને પાર થવાના સંકેત મોરબી : દેશમાં ટામેટાંના ભાવમાં ભયંકર ઉછાળો આવ્યો હતો તેવી જ સ્થિતિ હવે ડુંગળીની થઈ છે. દેશના મોટા ભાગના બજારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલોના 50 રૂપિયાને પાર કરી ગયો છે. બીજીતરફ સૌરાષ્ટ્રમાં ડુંગળીના પાક બગડી હોય મહારાષ્ટ્ર અને કર્ણાટકની ડુંગળી બજારમાં આવે તે પહેલા ભાવ 100 રૂપિયાને પાર થવાના સંકેત મળી રહ્યા છે અને દિવાળી પહેલા જ ડુંગળીમાં ભાવ વધારાનું રોકેટ ચડી ગયું હોવાનું લોકોને પ્રતીત થઇ રહ્યું છે.છેલ્લા દસથી પંદર દિવસમાં ગુજરાત સહીત દેશભરમાં ડુંગળીના ભાવ રોકેટગતિએ વધી રહ્યા છે. ડુંગળીના ઉત્પાદનમાં અગ્રણી સ્થાન ધરાવતા રાજ્યોમાં તેનો ભાવ એક સપ્તાહમાં ડબલ કરતા વધી ગયો છે. એક અઠવાડિયા અગાઉ બેંગલુરુમાં ડુંગળીનો ભાવ 50ની આસપાસ ચાલતો હતો જે હવે 80થી 90 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. કેટલાક પોશ વિસ્તારોમાં ડુંગળી 100 રૂપિયે કિલો વેચાય છે. નવી દિલ્હીમાં પણ અમુક બજારોમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે 110નો આંકડો પાર કરી ગઈ છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો ડુંગળી પ્રતિ 20 કિલોના 350થી 911 ઉંચાભાવ સુધી વેચાઈ હોવાંથી સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ ફિફટી વટાવી ચુક્યા છે.બીજી તરફ હાલમાં રાજ્યમાં સ્થાનિક ખેડૂતોના ડુંગળીના પાક ઉપર માવઠું કહેર બનીને ત્રાટક્યું હોવાથી સ્થાનિક ઉત્પાદનમાં ગાબડાં પડવાની સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી હજુ ડુંગળીનો પાક ઉતરવામાં સમય લાગી શકે તેમ હોવાથી રિટેલ અને જથ્થાબંધ બંને માર્કેટમાં તેના ભાવમાં તેજી જોવા મળી છે. નવી દિલ્હી નજીકના જથ્થાબંધ બજારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 36 રૂપિયાથી 60 રૂપિયા સુધી ચાલે છે. નવી દિલ્હીમાં સરકારે સબસિડીના દરે અમુક જથ્થો વેચવા કાઢ્યો હતો પરંતુ માલ આવતાની સાથે જ માત્ર 10 મિનિટમાં તેનું વેચાણ થઈ ગયું હતું.કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ માટે 800 ડોલર પ્રતિ ટનની ફ્લોર પ્રાઈસ નક્કી કરી ત્યાર પછી ભાવમાં તેજીને બ્રેક લાગે તેવી શક્યતા છે. નિકાસ પરના પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારે બફર સ્ટોક માટે બે લાખ ટન ડુંગળી ખરીદવાની જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં પાંચ લાખ ટનનો સ્ટોક ખરીદવામાં આવ્યો છે.કૃષિ બજાર સાથે સંકળાયેલા સૂત્રોના મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંથી નવો જથ્થો નહીં આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ ઉંચા જળવાઈ રહેવાની શક્યતા છે. કમસેકમ દિવાળી સુધી બજારમાં ઉંચા ભાવ જળવાઈ રહેવાની શક્યતા છે.