મોરબી : મોરબીમાં વર્ષ 2020માં વેપારીને મિત્રતાના દાવે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. આ સાથે બમણી રકમનો દંડ તથા 9 ટકા વ્યાજ ચૂકવવા પણ હુકમ કર્યો છે. આરોપી જો દંડ ન ભરે તો વધુ 90 દિવસની સજાનો પણ આદેશ કરાયો છે.બનાવની વિગત એવી છે કે ફરીયાદી કીશન સેલ્સ એજન્સીના માલીક ભરતભાઈ સોમાભાઈ બજાણીયા રહે.ત્રાજપરવાળાએ સાઈનાથી પેન્ટીંગ વર્કસના નામથી ધંધો કરતા અમરનાથ શીવદર્શન યાદવ અને અનુરાગભાઈ મનુપ્રસાદભાઈ પાઠકને મીત્રતાના દાવે રૂા. ૫,૦૦,૦૦૦/- ઉછીના આપેલા હતા. જેનો ચેક તા.૨૮/૯/૨૦૨૦ ના રોજ સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. આ મામલે ફરીયાદીએ વકીલ મારફત તા. ૧૦/૧૧/૨૦૨૦ના રોજ ઘી નેગો. ઈન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી. ત્યારબાદ તમામ આરોપીઓ આરોપીઓ કોર્ટ માં હાજર થયેલ હતા. કોર્ટ દ્વારા ફરીયાદી પક્ષની તમામ દલીલો માન્ય રાખી અને તમામ રેકર્ડ વંચાણે લઈ આરોપીઓ (૧) ઓમ સાઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપ્રસાદભાઈ પાઠક ને ઘી નેગો. ઈન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. સાથે ચેકની બાકી નીકળતી રકમ રૂા. ૫,૦૦,૦૦૦/- ની ડબલ રકમ રૂા. ૧૦,૦૦,૦૦૦/-નો દંડ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે ૯% ના વ્યાજ ચૂકવવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીઓને વધુ ૯૦ દિવસની સાદી કેદ ની સજા ભોગવવાનો હુકમ ફરવવામાં આવ્યો છે. ફરીયાદી તરફે મોરબીના ધારાશાસ્ત્રી જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલા હતા.