મોરબી : મોરબી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કર્યો છે. સમગ્ર કેસની વિગત જોઈએ તો મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રિટર્નની ફરિયાદમાં ચુકાદો આપ્યો છે. ફરીયાદી મીત જયેન્દ્રભાઈ ફેફર કે જેઓ લેનોરા વિટ્રીફાઇડના ઓથોરાઈઝ સિગ્નેચરી હોય જેમણે સામેવાળા કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી (ઓપરેટર ઓફ જલારામ એન્ટરપ્રાઇઝ) નાને 2018માં ઉધારમાં સિરામિક આઈટમસનો માલ વેચ્યો હતો. ફરિયાદીએ મોકલેલ માલની બાકી રકમની ચુકવણી કરવા કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી એ રૂપિયા 1,93,992નો ચેક ફરિયાદીને આપ્યો હતો. જે ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં રજૂ કરતા ચેક રિટર્ન થયો હતો. જેથી ફરિયાદીએ વકીલ મારફતે આરોપીને નોટિસ આપી હતી તેમ છતાં ચેકની રકમ ન આપતા અંતે ફરિયાદીએ કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી વિરુદ્ધ મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમની ડબલ રકમ ₹3,87,984 નો દંડ તથા વાર્ષિક 9 ટકા વ્યાજ વળતર પેટે 90 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે લ. ફરિયાદીના વકીલ તરફે નિશીત પી. ઘેટીયા અને આશિષ ડી. ચાવડા રોકાયેલા હતા.