મોરબી: મોરબીની અદાલતે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ ફરિયાદીને ચેકની રકમનું બમણું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કેસની વિગત મુજબ, આરોપી પ્રેમ હિમંતલાલ સાવરીયા (મિસ્ત્રી), જેઓ બાલાજી એન્ટરપ્રાઇઝના માલિક અને વહીવટકર્તા છે, તેમણે તેમના સંબંધી સતીષભાઈ મિસ્ત્રી (મોરબી ટાઇલ્સ ડેપો એન્ડ સેનેટરી વેર, બલોત્રા-રાજસ્થાન) માટે ફરિયાદી પાસેથી ટાઇલ્સનો માલ ઉધાર અપાવ્યો હતો. આ માલના બાકી નીકળતા રૂ. 4,26,634ની જવાબદારી સ્વીકારીને આરોપીએ પોતાની પેઢીનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાંથી પરત ફરતા ફરિયાદી દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ મોરબીના ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષે એડવોકેટ અને નોટરી નિતિનકુમાર અમૃતલાલ પંડ્યા તથા એડવોકેટ યાજ્ઞિકા એમ. દેવમોરારીએ ધારદાર દલીલો કરી હતી અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કર્યા હતા. બંને પક્ષોની રજૂઆતો ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી પ્રેમ હિમંતલાલ સાવરીયાને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. વધુમાં, ફરિયાદીને ચેકની બાકી રકમ રૂ. 4,26,634ની ડબલ રકમ એટલે કે કુલ રૂ. 8,53,268 ફરિયાદ તારીખથી વાર્ષિક 9% ના સાદા વ્યાજ સાથે વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી આ વળતરની રકમ ભરવામાં કસૂર કરે, તો વધુ 90 દિવસની સજા ભોગવવી પડશે તેવો આદેશ પણ કોર્ટે આપ્યો છે. #Morbi #CourtVerdict #ChequeBounce #LegalNews #MorbiUpdate #Gujarati news