વનવે જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ નિરુત્સાહ હોવાથી ટ્રાફિક સમસ્યા મોરબી : મોરબીના સીરામીક ઝોન લગધીરપુર રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલુ હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 24 જુલાઈથી રોડ વનવે હોવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે, ખાટલે મોટી ખોટ રૂપે અહીં જાહેરનામાના અમલ માટે પોલીસ કે ટ્રાફિક વોર્ડન મુકવામાં ન આવ્યા હોવાથી વાહનચાલકો મન પડે તેમ આવન-જાવન કરી રહ્યા હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી છે તેવામાં શનિવારે સાંજના સમયે લગધીરપુર રોડ ઉપર એક ટ્રક પલ્ટી મારી ગયો હોવાની ઘટના સામે આવી છે.મોરબી નજીક સીરામીક ઝોન ગણાતા લગધીરપુર રોડ પર સીરામીક ઇન્ડસ્ટ્રીઝના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે તેવામાં અહીં હાલમાં રોડ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી છે. જો કે, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અહીં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે તા.24 જુલાઈથી રોડની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વનવે રોડ અંગેનું જાહેરનામું અમલી બનાવ્યું છે. પરંતુ ખુદ પોલીસ જ આ જાહેરનામાની અમલવારીમાં ઉદાસીન રહતી હોવાથી રોડની બન્ને તરફ હાલમાં વાહનો દોડી રહ્યા હોય અકસ્માતના બનાવ રોજિંદા બન્યા છે. ત્યારે શનિવારે સાંજે લગધીરપુર રોડ ઉપર આવેલ પિનોરાઝ સીરામીક પાસે એક ટ્રક રોડથી નીચે ઉતરી રોડની બાજુમાં ગટરના નાલામાં ખાબક્યો હતો. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી. જો કે,આવી ઘટનાઓને પગલે સીરામીક ઉદ્યોગકારો દ્વારા અહીં વનવે જાહેરનામાંનો કડક અમલ કરવવા માંગ ઉઠાવી હતી.