કેનાલ પાસેનો રસ્તો પાકો ન બને ત્યાં સુધી વન-વેનું જાહેરનામું રદ કરવાની માંગ: રોડનું લેવલ મકાનો કરતા ઊંચું લીધું હોવાથી વરસાદી પાણી ઘરમાં ઘૂસવાની ભીતિ વ્યક્ત કરીમોરબી: મોરબી શહેરના દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના કેનાલ રોડને હાલમાં વન-વે જાહેર કરવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે હાલાકી પડી રહી છે. આ નિર્ણય સામે સામાજિક અગ્રણી ટી.ડી. પટેલ (પ્રમુખ, સમાજસેવા કેન્દ્ર અને ઓમ શાંતિ વિદ્યાલય) એ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.શું છે મુખ્ય સમસ્યાઓ? • ધૂળનું સામ્રાજ્ય: કેનાલની બીજી બાજુના કાચા અને માટીવાળા રસ્તા પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવતા ત્યાં ધૂળની ભારે ડમરીઓ ઊડે છે. જેના કારણે આસપાસની સોસાયટીઓના ઘરોમાં ધૂળ ભરાઈ રહી છે અને ટુ-વ્હીલર ચાલકો, ખાસ કરીને બાળકોની આંખોમાં ધૂળ જવાથી સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા થયા છે. • ગટરની સમસ્યા: બાયપાસ પાસે બનાવવામાં આવેલી ગટરો પેક હોવાથી પાણીનો નિકાલ થતો નથી. ગટરો ઉભરાવવાને કારણે ડામર રોડ તૂટી રહ્યા છે અને ગંદકી ફેલાઈ રહી છે. • લેવલ વગરના સીમેન્ટ રોડ: શહેરમાં બનેલા સીમેન્ટ રોડનું લેવલ રહેણાંક મકાનો કરતા ઊંચું કરી દેવામાં આવ્યું છે. આનાથી આગામી ચોમાસામાં રોડ પરનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.મુખ્ય માંગણી:સામાજિક અગ્રણી ટી ડી પટેલે જણાવ્યું હતું કે 'તંત્રએ જ્યા સુધી કેનાલ પાસેનો રસ્તો પાકો ન બને ત્યાં સુધી વન-વેનું જાહેરનામું રદ કરવું જોઈએ. ધૂળને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, જે CRPC ની કલમ 133 મુજબ ન્યુસન્સનો ગુનો બને છે.'આ ગંભીર પરિસ્થિતિ અંગે ટી.ડી. પટેલે કલેક્ટર અને કમિશનરને લેખિત રજૂઆત કરવાનું જણાવ્યું છે. તેમજ તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા લેવામાં આવતા આવા નિર્ણયો વ્યવહારુ હોવા જોઈએ અને લોકોની સુખાકારીને ધ્યાને રાખીને રોડના લેવલ અને ગટરની વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ.