મોરબી: મોરબી-માળિયા હાઈવે પર નાગડાવાસ ગામ નજીકથી કારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાગડાવાસ ગામના પાટિયા પાસેથી વોચ દરમ્યાન એક શખ્સને કારમાં દારૂ અને બીયરના જથ્થા સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાલુકના પી.આઈ. એમ.આર. ગોઢણીયાને મળેલી બાતમીના આધારે મોરબી-માળિયા હાઈવે પર નાગડાવાસ પાસે ગોઠવાયેલી વોચમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલી કાર નંબર GJ 12 CG 4955ને રોકવાનો પ્રયાસ કરતા તે કારચાલકે કાર ભગાવી મુકવાની પેરવી કરતા કારને આંતરવામાં આવી હતી. જેમાં સર્ચ કરતા કારમાંથી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 18720 તથા બીયરના ટીન નંગ 68 કિંમત રૂપિયા 6800 મળી આવતા કારચાલક નરસીભા રંભા સાબા રહે. ભચાઉ વાળાને કારની સાથે અટકાયત કરી કારની કિંમત રૂપિયા 3 લાખ ગણી કુલ રૂપિયા 3,25,520નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની વધુ તપાસ તાલુકા પોલીસના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ વસિયાણી ચલાવી રહ્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં તાલુકા પોલીસના યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસગ પરમાર, જયદીપ પટેલ, રવિરાજસિંહ ઝાલા અને પંકજભા ગુઢડા સહિતનો સ્ટાફ રોકાયો હતો.