મોરબી એલસીબી ટીમે કરેલી કાર્યવાહીમાં દારૂનો જથ્થો આપનાર ઈસમનું નામ ખુલ્યું મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે મૂળ ધ્રાંગધ્રા ગામનો શખ્સ ઓરડી ભાડે રાખી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી વિદેશીદારૂની 36 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામનો શખ્સ રંગપર ગામે ઓરડી ભાડે રાખી વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી વિપુલ સોમાભાઈ કોળી ઓરડીએ હાજર મળી આવતા ખાટલા નીચે પડેલું બાચકું ચેક કરતા વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 13,500નો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં આરોપીએ વિદેશી દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નાડધ્રી ગામના બળુભા જીલુભા ઝાલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી.