અસરકારક કાઉન્સેલિંગ બાદ પરિવાર સાથે મહિલાને સોંપાઈ મોરબી : ઘરેલુ હિંસાથી ત્રસ્ત થઈને ઘરેથી નીકળી ગયા બાદ માર્ગ ભૂલીને મોરબી આવી પહોંચેલી 30 વર્ષીય પરિણીત મહિલાને વન સ્ટોપ સેન્ટર, મોરબીની ટીમ દ્વારા સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ, આ મહિલા તા. 17 જુલાઈના રોજ મોરબી ખાતેથી મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલા પોતાની ઓળખ અને સરનામા અંગે સ્પષ્ટ માહિતી આપી શકતી ન હોવાથી તેમની ઓળખ કરવામાં શરૂઆતમાં મુશ્કેલી પડી રહી હતી. મહિલા દ્વારા આપવામાં આવેલી મર્યાદિત વિગતોના આધારે વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા સતત અને ધીરજપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.વન સ્ટોપ સેન્ટર, મોરબીની ટીમ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો અને વિવિધ સ્થળોએ કરાયેલી તપાસ બાદ મહિલા મૂળ MPના ઈન્દોરના વતની હોવાનું અને હાલ રાજકોટ જિલ્લાના સાપર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાના રહેણાંક અંગે વિગતો મળતાં જ વન સ્ટોપ સેન્ટરની ટીમે સંબંધિત સ્થળે સંપર્ક સાધી પરિવારને શોધી કાઢ્યો હતો અને ઓળખની પુષ્ટિ કરવામાં આવી હતી.વન સ્ટોપ સેન્ટર, મોરબીના ઈન્ચાર્જ ડી.પી. પાથર તેમજ સ્ટાફના અંજનાબેન મકવાણા અને દીપકભાઈ પરમાર દ્વારા સમયસરના પ્રયાસો, અસરકારક કાઉન્સેલિંગ અને યોગ્ય સંકલન થકી અરજદાર મહિલાને તા. 21 જુલાઈના રોજ તેમના પરિવારને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા હતા.#Morbi #MorbiNews #MorbiUpdates #OneStopCenter #Rajkot #Sapar #Reunion #SocialService