બંધુનગર ગામ પાસે મળેલી લાશનો ભેદ ખુલ્યો, કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર વિરુદ્ધ ફરીયાદ મોરબી : મોરબી તાલુકાના બંધુનગર નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવવા પ્રકરણમાં આ યુવાનને ચોર સમજી કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સાહિતનાઓએ ઢોર માર મારતા મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું છે. આ બનાવમાં મધ્યપ્રદેશ રહેતા યુવાનના ભાઈની ફરિયાદને આધારે ચાર શખ્સો વિરુદ્ધ હત્યા અંગનો ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બંધુનગર નજીક આવેલ એપલ સીરામીક કારખાનના ગેઇટ પાસે એક અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં તાલુકા પોલીસ કાફલો દોડી ગયો હતો અને ઝીણવટભરી તપાસ કરતા આ મૃતદેહ મંગલસીંગ લક્ષમણ ભાભર આશરે ઉ.29 રહે. રૂણજી તા.-થાણુ-પેટલાવદ જી.જાંબુઆ (એમ.પી.) વાળાનો હોવાનું તપાસમાં બહાર આવતા તેમના વાલી વારસાને જાણ કરી મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમમાં ખસેડતા મૃતકને બેફામ મૂંઢ માર મારવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું સ્પષ્ટ બન્યું હતું. બનાવ અંગે મૃતક મંગલસિંગના ભાઈ નાથુ લક્ષમણ ભાભર, ઉ.33, રહે. રૂણજી ગામ, ભુરીયા ફળીયા, પોસ્ટ-ઘુઘરી, તા.-થાણુ-પેટલાવદ ચોકી-કરવટ જી.જાંબુઆ (એમ.પી.)વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે, મૃતક મંગલસિંગ રોજી રોટી મેળવવા ગુજરાત આવ્યો હતો અને બનાવના દિવસે ગત તા.23 ના રોજ બંધુનગર ખાતે એપલ સીરામીકના કારખાને આવતા ચોર હોવાની શંકાએ કારખાનના સિક્યુરિટી ગાર્ડ શૈલેષ પસવાભાઇ પરમાર, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ રહે. બધા હાલ એપલ સીરામીક કારખાનામાં બંધુનગર સીમ, તા.જી.મોરબી વાળાઓએ બેફામ માર મારતા મંગલસિંગનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે મંગલસિંગના ભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.