એસઓજી પોલીસે ઝડપી લીધેલ મહિલા આરોપીની કબૂલાતને આધારે વાંકાનેર પોલીસે દબોચ્યો વાંકાનેર : તાજેતરમાં મોરબી એસઓજી ટીમ દ્વારા વાંકાનેર નજીકથી 3.5 કિલોગ્રામ ગાંજા સાથે મહિલા આરોપીને ઝડપી લીધા બાદ આ મહિલાએ ગાંજાનો આ જથ્થો જામનગરના શખ્સને આપવાનો હોવાની કબૂલાત આપતા વાંકાનેર પોલીસે જામનગરના આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે તાજેતરમાં મહિલા આરોપીને 3.5 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા બાદ આ મહિલાએ ગાંજાનો આ જથ્થો જામનગર શંકર ટેકરી વિસ્તારમાં રજાનગર હુશેનીચોકમાં રહેતા બોદુભાઈ બાબભાઈ ખફીને આપવાનો હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પીઆઇ કે.એમ.છાસીયા તથા પીએસઆઇ એન.એમ ગઢવી સહિતની ટીમે જામનગરથી આરોપી બોદુભાઈ બાબભાઈ ખફીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી પાસેથી પોલીસે રૂપિયા 1 હજારની કિંમતનો એક સેમસંગ કંપનીનો સાદો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. આ સફળ કામગીરી પીઆઇ કે.એમ.છાસીયા, પીએસઆઇ એન.એમ ગઢવી, એ.એસ.આઈ પરસોતમભાઈ સોલંકી, પો.હેડ.કોન્સ હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ જનકભાઈ ચાવડા સહિતનાઓએ કરી હતી.