વજેપર જમીન કૌભાંડના બે આરોપીઓઓની બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પણ સંડોવણી નીકળીમોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના બનાવમાં સીઆઇડીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી કે.ડી.પંચાસરા ઉર્ફે લંકેશ નામના વ્યક્તિએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલે વર્ષ 2022મા ખોટું સોગંદનામું, ખોટો વારસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી ન હોવા છતાં પણ મોરબીમાં રહેતા હંસાબેન નામના મહિલાને સોગંદનામામાં તેમજ વારસાઈ આંબામાં પુત્રી તરીકે દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની ફરિયાદ કરતા બનાવ અંગે જિલ્લા કલેકટર મોરબી અને માળીયા મિયાણા મામલતદારે તપાસ કરી હતી. જે તપાસના અંતે માળીયા મામલતદારે સરવડ ગામના તલાટી કમ મંત્રીને ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.આ પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે સરવડ ગામના પૂર્વ તલાટી કમ મંત્રી આરોપી ભરતભાઇ દેવજીભાઈ ખોખર રહે. મેલડી કૃપા, કન્યા છાત્રાલય પાછળ યદુનંદન-22 મોરબી વાળાની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં વજેપર જમીન કૌભાંડના આરોપી સાગર ફુલતરીયાની પણ સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે ફરી વજેપર જમીન કૌભાંડના અન્ય આરોપી અતુલ જોશીની પણ આમા સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે સીઆઇડી પીઆઇ કે.કે.જાડેજાએ જણાવ્યું કે આરોપીનો ટ્રાન્સર વોરંટથી કબજો લઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે સોમવાર સુધી એટલે કે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.