બન્ને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા મોરબી : મોરબીના મકનસર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે ટ્રિપલ સવાર બાઈકને ટ્રકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં બેઠેલા અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થવાથી બન્ને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-વાંકાનેર વચ્ચે આવેલ સરતાનપર રોડ ઉપર આવેલ સ્પેકટ્રમ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહારના વતની મુકેશકુમાર મોહનભાઇ પાસવાન તથા બ્રિજેશ યાદવ અને નંદનકુમાર પ્રદીપ રાવત નામના ત્રણ પરપ્રાંતીય શ્રમિકો ગઈકાલે મોડી સાંજના સમયે પોતાના બાઈક ઉપર ટ્રિપલ સવારીમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ટ્રકચાલકે આ ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા ત્રણેયને ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ટૂંકી સારવાર બાદ મુકેશકુમાર મોહનભાઇ પાસવાનનું મોત નીપજ્યું હતું. બાકીના બન્નેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.