ઇકો કારને પાછળથી ઠોકર મારતા ત્રણ ઇજાગ્રસ્તમોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે પુરપાટ ઝડપે જતા ડમ્પર ટ્રકના ચાલકે ઇકો કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇકો ચાલક સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં વાંકાનેરના રાતવીરડા નજીક દીયાન પેપરમિલમાં રહેતા ઇકો ચાલક વિનોદકુમાર અશોકકુમાર કુરમીએ ટ્રક ડમ્પર નંબર જીજે - 39 - ટી - 1334 નંબરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, મોરબી કચ્છ હાઇવે ઉપર લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે આરોપી ટ્રક ડમ્પર ચાલકે બેફામ ઝડપે પોતાનું ડમ્પર ચલાવી ફરિયાદીની જીજે - 36 - એએફ - 0684 નંબરની ઇકો કારને પાછળથી ઠોકર મારતા ફરિયાદી તેમજ ઇકોમાં બેઠેલા સંજુસિંઘ ઠાકુર, ઉમેશ યાદવ અને શિવઅવતાર મંગિયાભાઈ વર્માને ઇજાઓ પહોંચાડી હતી. વધુમાં આ અકસ્માતમાં શિવઅવતાર વર્માને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.