રાત્રે 12 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો, હજુ આજે પણ વરસાદની આગાહીમોરબી : હસ્ત નક્ષત્રનો સૂર્ય રાશિમાં પ્રવેશ થતા જ રાજ્યમાં ફરી એક વાર સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે જેમાં ગઈકાલે સાંજે 7.30થી રાત્રીના 12 વાગ્યા સુધીમાં મેઘરાજાએ રમઝટ બોલાવતા મોરબીમાં એક ઇંચ અને માળીયા મિયાણામાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.બીજી તરફ ખેડૂતોનો મગફળીની પાક તૈયાર થઈ ગયો હોય વરસાદને કારણે ખેડૂતો મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાની ચિંતામાં મુકાયા છે. ગઈકાલે સવારના છથી આજે સવારના છ વાગ્યા સુધીમાં રાજ્યના 232 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામા આઠ કલાકમાં આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે મોરબીમાં યલો એલર્ટ વચ્ચે સાંજના સાડા સાત વાગ્યા બાદ વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો અને મોડી રાત્રે 12 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. મોરબીમા પાંચ કલાકમાં 24 મીમી, માળીયા મિયાણા 40 મીમી, વાંકાનેર અને ટંકારામાં 17 મીમી તેમજ હળવદમાં 11 મીમી વરસાદ વરસ્યો હતો. સાથે જ જિલ્લાના મોટા ભાગના ગામડાઓમા પણ સારો વરસાદ વરસ્યો હતો.ઉલ્લેખનિય છે કે, હાલમાં ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોય મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે તેવા સમયે જ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.