108 ફુટ ઉંચી હનુમાનજી મહારાજની છાતીના ભાગમાં રામ નામ મંત્ર પ્રતિષ્ઠિત કરાશે મોરબી : મોરબી તાલુકાના બેલા અને ભરતનગર વચ્ચે આવેલું ખોખરા હનુમાનજી તીર્થધામ, સમર્થ સદગુરુ કેશવાનંદ બાપુની તપસ્થળી અને સમગ્ર વિસ્તારની આસ્થાનું પ્રતિક છે. જ્યાં શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીજીની નિશ્રામાં અને માર્ગદર્શનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કેશવાનંદબાપુ વેદ વિદ્યાલય, જ્યાં 80થી વધારે ઋષિકુમારો સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. અત્રે 45થી વધારે ગાયો ધરાવતી ગૌશાળા કાર્યરત છે. અખંડ રામધૂન, સાધુ સંતો અને અભ્યાગતો માટે અન્નક્ષેત્ર અને વિશાળ શીખરબદ્ધ મંદિર નિર્માણાધીન છે. સાથે સાથે 22 ફૂટ ઉંચા પ્લેટફોર્મ પર હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમા જેની કુલ લંબાઈ 130 ફૂટ થશે એ પ્રતિમાનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. હિન્દૂ સમાજમાં રામ નામનો અનેરો મહિમા છે અને અનેક ધાર્મિક સંસ્થાના ભાવિકો લાખો-કરોડો રામનામ મંત્રને લેખિત સ્વરૂપ આપતા હોય છે. ખેડા જિલ્લાના નડીયાદ મુકામે આવેલું વિશ્વવિખ્યાત સંતરામ મંદિર આવી જ એક સંસ્થા છે. કનકેશ્વરી દેવીજીને વિચાર આવ્યો કે 108 ફુટ ઉંચી હનુમાનજી મહારાજની છાતીના ભાગમાં રામ નામ મંત્ર પ્રતિષ્ઠિત કરવા જોઈએ. આ વિચાર સંતરામ મંદિરને પહોંચાડ્યો હતો. જેના ફળ સ્વરૂપે તા. 22 ઓગસ્ટ, ઋષિ પંચમીના પવિત્ર દિવસે અનરાધાર વરસાદમાં સંતરામ મંદિરના મહંત નિર્ગુણદાસજી મહારાજ, મહંત સત્ય દાસજી, મહંત કૃષ્ણદાસજી, મહંત મોહનદાસજી, મહંત ગણેશદાસજી, મહંત ગુરુચરણ દાસજી, મહંત મુરારીદાસજી સહીતના સંતો, અનુયાયીઓ સાથે પૂરો ટ્રક ભરીને એક અબજ એટલે કે સો કરોડ રામનામ મંત્ર સાથે ખોખરા હનુમાનજી ધામમાં પધરામણી કરી અને રામનામ મંત્ર મસ્તક પર ધારણ કરી ખોખરા હનુમાનજી મહારાજની મૂર્તિ સમક્ષ બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ દિવ્ય અવસર પર કબીર આશ્રમ મોરબીના મહંત શિવરામદાસ સાહેબ, પીપળી ગામના જયદેવાનંદ બાપુ તથા ભરતનગરના ચિદાનંદજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે ઈપ્કો ગ્રૂપના સંચાલક દેવાંગભાઈ (નડિયાદ) તેમજ નવીનભાઈ પટેલ, જીતુભાઈ કૈલા, રાકેશભાઈ અમૃતિયા, કમલેશભાઈ, હસુભાઈ પંડ્યા, દેવજીભાઈ, પ્રવીણભાઈ પટેલ, રમેશભાઈ મોરડીયા, મગનભાઈ, મુકેશભાઈ સાધુ તથા જે. પી. જેસ્વાણી સહિતના ભક્તગણો એ ધર્મલાભ લીધો હતો. અને સમગ્ર સમારોહ વિનાવિઘ્ને સંપન્ન થયો હતો.