મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ સોસાયટીમાંથી એલસીબી ટીમે ટવેન્ટી - ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડી ત્રણ શખ્સોના નામ ખોલાવી તાલુકા પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે પીપળી ગામની સીમમાં આવેલ શ્યામ પાર્કમાં દરોડો પાડી ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ડાયમંડ એક્સ 9 નામની એપ્લિકેશન ઉપર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી રહેલા મૂળ હળવદના ચરાડવા ગામના આરોપી રમેશ ઉર્ફે કાળું ચતુરભાઈ માકાસણાને ઝડપી લઈ રોકડા રૂપિયા 1100 તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 સહિત કુલ 6100ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસના હાથે પકડાયેલ આરોપી રમેશ ઉર્ફે કાળુએ ચરાડવા ગામના યોગેશ વાલજીભાઈ દલવાડીના કહેવાથી જુના દેવળીયા ગામના ટેમી ભુપતભાઇ પટેલ અને કચ્છના શામજીભાઈ પાસેથી ઓનલાઈન ક્રિકેટનો જુગાર રમવા આઈડી ખરીદી કરી હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે ચારેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.