મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે ગુજરાત સરકારને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની વ્યવસ્થામાં ભાવાંતર યોજના દાખલ કરવાની ફરી એકવાર રજુઆત કરી છે. મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં મોરબી માર્કેટિંગ યાર્ડના ડિરેકટર કે.પી.ભાગીયાએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં લાગુ થયેલી વ્યવસ્થા જેવી ભાવાંતર યોજના ગુજરાતમાં લાગુ થવી જોઈએ. હાલની ટેકાના ભાવની વ્યવસ્થામાં ખેડૂતોને તો નુકશાન થાય જ છે સાથોસાથ સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક અનુમાન મુજબ 3100 કરોડ રૂપિયાની ખોટ સરકારને હાલની વ્યવસ્થામાં જઈ રહી છે. હાલની ખરીદી વ્યવસ્થામાં છીંડા હોવાથી ભ્રષ્ટચારને અવકાશ છે. જે નવી વ્યવસ્થામાં નિવારી શકાય એમ છે. વળી ભાવાંતર યોજના લાગુ થવાથી ટ્રાન્સપોર્ટેશન અને તોળાઈ, દલાલી, પેકીંગ જેવા ખર્ચાઓ મેળવીને ખેડૂતોને અંદાજે મણ દીઠ રૂ 300નો ખર્ચ ઓછો થવાથી ફાયદો મળી રહે એમ છે. આ રીતે નવી સિસ્ટમ વિકસાવવાથી સરકાર અને ખેડૂતોને સીધો ફાયદો મળે એમ હોય આ સિસ્ટમ લાગુ કરવા અનુરોધ કરાયો છે.