રેશનિંગના દુકાનદારોએ યોગ્ય જવાબ આપવાનો બદલે મામલતદાર ઉપર જવાબદારી ઢોળી દેતા લોકોની ભીડ મામલતદાર કચેરી ઉમટીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો મોરબી : મોરબીમાં રેશનિંગ મામલે ત્રીજા દિવસે પણ લોકોની કઠણાઈ યથાવત રહી હતી. જો કે રેગ્યુલર રેશનિંગ લેતા હોય એવા જ લોકોને રેશનિંગ મળશે એવી તંત્રની સ્પષ્ટતા છતાં પણ મોટાભાગના રેશનકાર્ડના ધારકો આજે ત્રીજા દિવસે પણ રેશનિંગની દુકાનોમાં કતારો લગાવી હતી. જો કે રેશનિંગના દુકાનદારો બેજવાબદારીથી વર્તન કરી રેગ્યુલર રાશન ન લેતા હોય તેવા લોકોને મામલતદાર કચેરીએ જઈને સિક્કો મરાવીને લાવવાનું કહેતા એનેક વિસ્તારના લોકો મામલતદાર કચેરીએ ઉમટી પડીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. મોરબીમાં આજે સતત ત્રીજા દિવસે તમામ રેશનોગની દુકાનોમાં રેશનિંગ વિતરણનો લાભ લેવા માટે રેગ્યુલર રાશન ન લેતા હોય એવા તમામ રેશનકાર્ડ ધરકોએ ઉમટી પડીને પડાપડી કરી હતી. જો કે રેશનિંગ લેવા લોકો સસ્તા અનાજની દુકાનોમાં જાય ત્યારે રેશનિંગના દુકાનદારો પૂરેપૂરી ખબર છે કે આ રેશનિંગ વિતરણ માટે ફિગર પ્રિન્ટની જરૂર નથી અને માત્ર ટોકન સિસ્ટમથી જ રાશન આપવાનો નિયમ છે અને રેગ્યુલર રાશન લેતા હોય એવા કાર્ડ ધારકોને આ લાભ મળશે. તેની પૂરેપૂરી ખબર હોવા છતાં ઘણા રેશનિંગ દુકાનદારો યોગ્ય જવાબ આ આપવો ન પડે તે માટે રેગ્યુલર રાશન ન લેતા હોય તેવા લોકોને મનાઈ કરવાને બદલે સીધા મામલતદાર કચેરીએ સિક્કો મારીને લઈ આવવાનું કહીને ધક્કો ખવડાવ્યો હતો. આજે ત્રીજા દિવસે પણ રેશનિંગના દુકાનદારોએ લોકોને મામલતદાર કચેરીએ સિક્કો લઈ આવવાનું કહેતા લોકોની મોટી ભીડ મામલતદાર કચેરીએ ઉમટી પડી હતી. જો કે મામલતદાર કચેરીએ સિક્કો મારવાનું કામ બંધ છે. જેમાં સોઓરડી, મંગલ ભુવન ચોક, દફ્તરી શેરી, વિસીપરા, મહેન્દ્રપરા, મહેન્દ્રનગર, ફિદાઈ પાર્ક, વિધુતનગર, રેલવે સ્ટેશન રોડ, ગાયત્રીનગર, જન કલ્યાણ નગર સહિતના અનેક વિસ્તારના લોકો આજે મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. જો કે તંત્રએ લોકોને સમજાવવાની કોશિશ કરી હતી કે હાલ રેગ્યુલર રાશન લેતા હોય એવા લોકોને રાશન મળશે અને સિક્કાની કામગીરી થતી નથી. આમ છતાં પણ લોકોએ ભારે બળાપો ઠાલવ્યો હતો. લોકોએ ભારે રોષ ઠાલવ્યા બાદ અંતે ટોળું વિખેરાયું હતું. અમુક રેશન કાર્ડધારકોને ખરાબ અનાજ મળ્યાની ફરિયાદ સસ્તા અનાજની દુકાને વિનામૂલ્યે રાશન વિતરણમાં અમુક રેશનિંગના પરવાનેદારો લોકોને ઓછો વજન આપીને ગેરરીતિ કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. તેમજ અમુક રેશનકાર્ડ ધારકોને ખરાબ રેશનિંગનો જથ્થો મળ્યાની પણ ફરિયાદ ઉઠી હતી. જેમાં મોરબીના નાની વાવડી ગામના સહિતના અમુક જગ્યાએ રેશનકાર્ડ ધારકોને ખરાબ અનાજ મળ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી અને આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/