મોરબી : આજે 31 મે એટલે કે 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ'. આ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સામાજિક અને રચનાત્મક અભિયાન 'વ્યસનમુક્ત ભારત અભિયાન' અંતર્ગત મોરબીમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી દ્વારા નવા એસ.ટી. ડેપો (બસ સ્ટેશન) ખાતે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન લોકોને વ્યસનમુક્ત થવા માટે અપીલ કરવામાં આવી હતી.નવા બસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એક વિશેષ જાગૃતિ પ્રદર્શની લગાવવામાં આવી હતી, જેના માધ્યમથી મુસાફરો અને નાગરિકોને વ્યસનના જોખમો અને શારીરિક નુકસાન વિશે માહિતગાર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યસનમાંથી કઈ રીતે કાયમી મુક્તિ મેળવી શકે છે તે અંગે સચોટ માર્ગદર્શન આપતી પત્રિકાઓ તેમજ પુસ્તિકાઓનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સામાજિક કાર્યમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓની તબિયત સારી ન હોવા છતાં તેઓએ કાર્યક્રમમાં અચૂક હાજરી આપી હતી અને ગુરુદેવ રામ શર્મા આચાર્યના આ વ્યસનમુક્તિના કાર્યને આગળ વધારવા માટે પૂર્ણ પ્રયાસ કરી ઉત્સાહ વધાર્યો હતો. ગાયત્રી પરિવાર દ્વારા 'તમાકુનો ત્યાગ કરો, સ્વસ્થ જીવન અપનાવો' ના સંદેશ સાથે સમાજને વ્યસનમુક્ત આદર્શ પરિવાર બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી.#Morbi #WorldNoTobaccoDay #NoTobaccoDay #GayatriPariwar #Deaddiction #VyasanMukti #MorbiNews #MorbiUpdate