મોરબી: શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક દેશવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ રહેલો છે.આ ઉજવણી અંતર્ગત મોરબીની ધર્મગંગા સોસાયટી, શાંતીનગર સોસાયટી, સિલ્વર સોસાયટી દ્વારા તા. 21ને રવિવારે રાત્રે 9 કલાકે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પટેલ સાઉન્ડના સથવારે ભજનીક ધવલ બારોટ, ગુજરવદી (ભજનીક) અશ્વિન પટેલ, તબલચી ઉસ્તાદ નયન અગ્રવાત, બેન્જો મેહુલ મકવાણા દ્વારા સંતવાણી કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. તેમજ તા.22ને સોમવારે રોકડીયા હનુમાન મંદિર ખાતે સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી રામધુન, બપોરના 12 કલાકે મહાઆરતી તેમજ બપોરના 2:30 કલાકે મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ સાંજના 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં રામલલાના આગમને વધાવવા અને દરેક ધાર્મિક કાર્યક્રમમાં સોસાયટીના દરેક લોકોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.