ટંકારા : દશેરાના પર્વ પર અનેક જગ્યાએ શસ્ત્ર પૂજન થતું હોય છે ત્યારે ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે સ્ટેશનરીનું પૂજન કરીને દશેરાની ઉજવણી કરી હતી.દશેરાના બીજા દિવસે સત્રાંત પરીક્ષા શરૂ થતી હોય વિદ્યાર્થીઓના શસ્ત્ર એવા પાટી, પેન, સંચો, બોલપેન, કંપાસ સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કંકુ-ચોખા તેમજ દિપ પ્રાગટ્ય કરીને પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ સાથે ઉતીર્ણ થાય તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા હાલના ડિજિટલ યુગમાં શિક્ષણનું શું મહત્વ છે તેનો શુભ સંદેશ સમાજને પાઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંચલા ગીતાબેન મનસુખલાલે કર્યું હતું.