શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રે એક ગોપી અને એક કા'ન અને વચ્ચે રાધા અને કૃષ્ણ એ દિવ્ય મહારાસ રચ્યો હતોવિશ્વનું મહાન ગીત 'ગોપી ગીત' એ ગોપીઓના પ્રેમ અને વિરહનું સુંદર ગીત છેમોરબી : શરદપૂનમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય દિવસ છે. આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીના કિનારે વાંસળીના મનમોહક સુર છેડ્યા હતા અને રાસરાસેશ્વરી શ્રી રાધાજી તથા ગોપીઓ સાથે દિવ્ય મહારાસલીલા કરીને અલૌકીક સુખ આપ્યું હતું. ઠાકોરજીનો વેણુનાદ આજે પણ સાચા ભક્તોને સંભળાય છે. શરદપૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય છે અને પોતાનું સૌથી તેજસ્વી રૂપ ધારણ કર્યું હોય છે. આવા મનમોહક અને પવિત્ર દિવસે લોકો નીતનવા શ્વેત વસ્ત્રો ધારણ કરીને પૂરા તન અને મનથી રાસ રમીને જીવન શ્રી કૃષ્ણમય બનાવે છે.શરદ પૂનમની રઢિયાળી રાત્રે એક ગોપી અને એક કા'ન અને વચ્ચે રાધા અને કૃષ્ણ એ દિવ્ય મહારાસ રચ્યો હતો. જેને જોવા માટે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા હતા. વૈકુંઠમાં નારાયણ શંખ વગાડે છે, જ્યારે વ્રજમાં પ્રભુ વેણુ વગાડી રાસ ખેલે છે. વાસ્તવમાં રાસલીલા એ શુદ્ધ આત્મા અને પરમાત્મા કૃષ્ણ વચ્ચેનું દિવ્ય મિલન છે. રાસલીલા એ પ્રભુની નિષ્કામ લીલા છે. શ્રી કૃષ્ણ અને રાધાજીના પ્રેમની પરાકાષ્ઠા એટલે જ રાસ. પ્રકૃતિ અને પુરુષનું અલૌકિક મિલન એટલે રાસ.આભે પૂનમ ચાંદ ઊગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક!ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક!કવિ બાલમુકુંદ દવેની આ શબ્દો રાસલીલાના વર્ણનને સાર્થક કરે છે. શ્રીમદ્ ભાગવતનો દસમ સ્કંદ શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય છે અને રાસલીલા તેનો પ્રાણ છે. શ્રીમદ્ ભાગવતમાં રાસલીલાનું સુંદર વર્ણન કરાયું છે. શરદ પૂનમની રાત્રે ભગવાન કૃષ્ણે એવી વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇ હતી. શરદ પૂનમની રાત્રે દરેક ગોપી માટે ભગવાન કૃષ્ણે એક-એક કૃષ્ણ બનાવ્યા અને આખી રાત આ જ કૃષ્ણ અને ગોપીઓ રાસ રમતા રહ્યાં. કહેવાય છે કે કૃષ્ણે પોતાની શક્તિથી શરદ પૂનમની રાતને બ્રહ્માજીની એક રાત જેટલી લાંબી કરી દીધી હતી. બ્રહ્માજીની એક રાત મનુષ્યોની કરોડો રાત સમાન હોય છે. શરદ પૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલી ભાતની, તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ, રાસ રમવાને વ્હેલો આવજે..આ ગીતમાં શ્યામ સાથે રાસ રમવાની તાલાવેલી અનુભવી શકાય છે. એ જ રીતે ગોપી ગીતમાં પણ ગોપીઓ અહંકારને છોડી કૃષ્ણને રાસમાં પરત બોલાવવા વિનંતી કરે છે. સ્વયં ગોપીજનોએ ગોપી ગીત લઘુરાસ બાદ અને મહારાસ પહેલા અંતર્ધાન થઈ ગયેલા શ્રી કૃષ્ણના વિયોગમાં ગાયું હતું. વિશ્વનું મહાન ગીત 'ગોપી ગીત' એ ગોપીઓના શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને વિરહનું સુંદર ગીત છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સ્થાપિત પુષ્ટિ માર્ગમાં આસો સુદ એકમથી નોમ સુધી શ્રી યમુના મહારાણીજીના નવવિલાસ દરમિયાન તેમજ શરદ પૂર્ણિમાએ વૈષ્ણવો ઉરમાં ઉમંગ સાથે રાસ રમે છે. શરદ પૂનમના દિવસે નાથદ્વારા ખાતે શ્રીનાથજીના મંદિરમાં સફેદ દુધ, સફેદ પૌઆ, શ્વેત ચાંદીના વાસણમાં ચંદ્રકલા અને ખીર સહિત તમામ શ્વેત સામગ્રી પ્રભુને આરોગાવાય છે. શરદ પૂનમને ‘રાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે.