આજે પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની ભક્તિનો અવસરમોરબી : નવરાત્રિ એટલે માતા પાર્વતીની આરાધના કરવાનો શ્રેષ્ઠ તહેવાર છે. નવરાત્રિ એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો મહિનાની એકમથી નોમ સુધીના નવ દિવસોમાં માતા આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે.નવરાત્રિમાં પ્રથમ નોરતે ભક્તો માતાજીનું ઘટસ્થાપન કરીને પૂજન કરે છે. કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે. એક વર્ષમાં કુલ ચાર નવરાત્રિ હોય છે, જેમાંથી બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે ગૃહસ્થો માટે નવરાત્રિ હોય છે, જેને ચૈત્ર અને શારદીય નવરાત્રિ કહેવાય છે. આ વર્ષે આજે 15મી ઓક્ટોબરને રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. પિતૃપક્ષ પછી આવતી આ નવરાત્રિ હર્ષલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે.પ્રથમ નોરતું : માતા શૈલપુત્રીનું સ્વરૂપશૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલે માતા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી. જેને હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતાર ધારણ કર્યો હતો. મા શૈલપુત્રીના જીવનસાથી મહાદેવ શિવ છે. તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન વૃષભ હોવાનું કહેવાય છે. દેવી શૈલપુત્રી વૃષભ પર આરુઢ હોવાથી ભક્તો તેમને વૃષભરુઢા કે વૃષભવાહિનીના નામે તેમજ હેમવતી, માહેશ્વરી અને ઈશ્વરી જેવા નામે પણ સંબોધે છે.માતા શૈલપુત્રીના પ્રાગટ્યની કથાપુરાણો મુજબ શૈલપુત્રી પાર્વતીજીનો પૂર્વજન્મ સતી તરીકે થયેલો છે. એક વખત પ્રજાપતિ દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું. તેમાં પધારવા તેમણે સમસ્ત દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું. પણ પોતાની જ પુત્રી સતી અને મહાદેવને નિમંત્રણ ન મોકલ્યું. મહાદેવની ના છતાં સતી પિતાના યજ્ઞમાં ભાગ લેવાં પધાર્યા. પણ, ત્યાં પ્રજાપતિ દક્ષે સૌની સામે દેવાધિદેવ પ્રત્યે તિરસ્કાર ભરેલાં શબ્દો કહ્યા. પતિ શિવનું અપમાન થવાથી ક્રોધે ભરાઈ સતીએ યોગાગ્નિથી તેમનો દેહત્યાગ કરી દીધો. ત્યારબાદ દેવી સતીએ શૈલરાજ એટલે કે પર્વતરાજ હિમાલયના ત્યાં જન્મ લીધો. અને તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા.