વિવિધ જગ્યાના મહામંડલેશ્વર અને કથાકાર મોરારીબાપુ મોરબીના કબીરધામ ખાતે શ્રદ્ધાંજલિ અર્પશે મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા અને મૃતકોના પરિવારનો દિલસોજી પાઠવવા માટે મોરબીના વાવડી રોડ પર આવેલા કબીરધામ ખાતે આગામી તારીખ 8 નવેમ્બર ને મંગળવારના રોજ વિવિધ જગ્યાના મહામંડલેશ્વર અને કથાકાર મોરારીબાપુની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ (શોકાંજલિ) રાખવામાં આવ્યો છે. મોરબીના વાવડીરોડ સ્થિત કબીરધામ ખાતે 8 નવેમ્બરે બપોરે 4 થી 6 કલાક દરમિયાન યોજાનાર આ શોકાંજલિ કાર્યક્રમમાં કથાકાર મોરારીબાપુ, દેહાણ જગ્યાના મહામંડલેશ્વરો, મહંતો અને તમામ સંતો સમૂહ પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને મૃતકોના પરિવારને દિલસોજી પાઠવશે. આ શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ કાર્યક્રમમાં મૃતક જીવાત્માઓના પરિવારો તથા રાજકીય મહાનુભાવો, તેમજ વહીવટી આગેવાનો ઉપસ્થિત રહેશે.