તંત્રએ કામ બંધ કરાવ્યાની મૌખિક જાહેરાત કરી તેનું સરેઆમ ઉલ્લંઘન : ખેડૂતોમાં રોષમોરબી : મોરબીના જેતપરમાં એક તરફ વીજ લાઇનના કામ સામે આંદોલન ચાલી રહ્યું છે. બીજી તરફ ઉપવાસીના ખેતરમાં જ કંપની દ્વારા હજુ પણ કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડુતોએ આક્ષેપ કર્યો છે કે કૃષિ મંત્રી અને સરકારી અધિકારીઓ દ્વારા કામ બંધ કરવાના મૌખિક આદેશ આપવામાં આવ્યા હોવા છતાં, ખાનગી વીજ કંપની દ્વારા આ આદેશના ધજાગરા ઉડાવીને કામગીરી યથાવત રાખવામાં આવી છે.આ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે તેમની માંગણીઓમાંથી મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી જેટલું સ્વીકારવા માંગે છે, તેની પહેલા લેખિતમાં ખાતરી આપે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે હવે સરકાર કે તંત્રની કોઈ મૌખિક ખાતરી કે આદેશ માન્ય રહેશે નહીં. જો સરકાર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવશે, તો જ ખેડૂતો ગાંધીનગર ખાતે ચર્ચા કરવા માટે જશે. હાલમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા નેહુલ ધીરજલાલ અમૃતિયાના ખેતરમાં કંપની દ્વારા કામ ચાલુ છે. ખેડૂતો પોતાની માંગ પર મક્કમ છે અને જ્યાં સુધી લેખિતમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.#MorbiUpdate #Morbi #FarmersProtest #Adani #GujaratGovernment #MorbiNews #Agriculture