ફાયર સેફટીની રામભરોશે જેવી સ્થિતિ અંગેના 'મોરબી અપડેટ'ના અહેવાલના પગલે લોકોમાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવાની ઉગ્ર માંગ ટંકારા : સુરતની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી વિહોણી શૈક્ષણિક સંસ્થાઓ ઉપર તવાઈ ઉતરી છે ત્યારે ટંકારામાં ફાયર સેફટીની રામભરોસે જેવી સ્થિતિ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા.તેથી ટંકારામાં પણ સફાળા જાગેલા તંત્રએ સોમવારથી ફાયર સેફટી મામલે તપાસ કરવાની જાહેરાત કરી છે.જોકે ફાયર સેફટીની ગંભીર સ્થિતિ અને 'મોરબી અપડેટ'ના અહેવાલને પગલે લોકોએ ટંકારામાં ફાયર સ્ટેશન ઉપલબ્ધ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. ટંકારા તાલુકો કોટન મિલનું હબ ગણાય છે. એટલે કોટન મિલમાં અવાર નવાર આગના બનાવો બને છે પરંતુ ટંકારામાં ફાયર સ્ટેશનની સુવિધા જ ન હોવાથી મોટાભાગના આગના બનાવોમાં મોરબીના ફાયર ફાઇટર પર નિર્ભર રહેવું પડે છે.આથી મોરબીથી ફાયર બીગ્રેડ પહોંચતા ઘણો વિલંબ થતો હોવાથી આગમાં મોટું નુકશાન થઈ જાય છે.આવી રીતે 14 જેટલા શૈક્ષણિક સંકુલોમાં પણ ફાયર સેફટીની સુવિધા જ નથી.તેથી કદાચ સુરત જેવી ઘટના બને તો મોટી જાનહાની થાય તેવી મોટી દહેશત છે.ટંકારામાં ફાયર સેફટીની પાંગળી સ્થિતિ અંગે 'મોરબી અપડેટ'માં સવિસ્તાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.જેથી લોકોમાં નધરોળ તંત્ર સામે જબરો આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ ટંકારામાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે.જોકે હજુ સુધી ટંકારામાં ફાયર સેફટી મામલે કાર્યવાહી થઈ ન હોવા અંગે કેળવણી નિરીક્ષક દિપાબેન સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉપરથી આદેશ આવ્યા મુજબ સોમવારે શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફટી મામલે તપાસ કરાશે. પણ તંત્ર તમામ ફાયર સેફટી વગરની સંસ્થાઓ સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.