રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના આગેવાનો ન્યાય યાત્રામાં જોડાશેમોરબી : ગુજરાતમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારી મોરબીની ઝૂલટાપુલ દુર્ઘટના, વડોદરામા હરણી બોટ દુર્ઘટના, સુરત તક્ષશિલાકાંડ અને રાજકોટ ગેમઝોન દુર્ઘટના સહિતની ઘટનાઓમાં સીટની તપાસ બાદ પણ દોષીતો સામે કોઈ જ કાર્યવાહી ન થતા કોંગ્રેસ દ્વારા મોરબીથી આગામી તા.9 ઓગસ્ટથી ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના આગેવાનો જોડાશે, સોમવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ખેડૂત નેતા પાલ આંબલીયાએ પ્રેસ કોંફરન્સમાં ઉક્ત વિગતો જાહેર કરી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તામ 9 ઓગસ્ટે સવારે 8.30 કલાકે મોરબીના દરબારગઢથી ગુજરાત ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા તેમજ ઝૂલતા પુલ પીડિત પરિવારોએ સોમવારે મોરબીમાં પત્રકાર પરિષદ યોજી ન્યાયયાત્રા અંગે વિગતો જોહેર કરી મોરબી, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટના પીડિત પરિવારોને આ યાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું હતું.ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, મોરબીથી પ્રારંભ થતી આ ન્યાયયાત્રામા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના આગેવાનો જોડાશે. સાથે જ આજથી જ જીગ્નેશ મેવાણી અને પાલભાઈ આંબલીયાએ મોરબીમાં મુકામ કરી કોઈપણ પ્રજાને સરકારને લગતા પ્રશ્નો હોય તો મોકલી આપવા પણ આહવાન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની સાથે સાથે ભ્રષ્ટાચારી સરકારના પાપનો ઘડો ભરવા માટે પણ અનોખું આયોજન કરી ન્યાયયાત્રામાં ઘડો સાથે રાખવામાં આવશે જેમાં લોકોની ફરિયાદો એકત્રિત કરવામાં આવશે.મોરબી ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદમાં ઝુલતાપુલ દુર્ઘટનાના પીડિત પરિવારના જગદિશભાઈ પરમારે જણાવ્યું હતું કે, મોરબી ઝુલતા પુલના પીડિત પરિવારે પોતાનો કામ-ધંધો બંધ રાખીને આ ન્યાય યાત્રામાં જોડાશું. કેમ કે મૃતક પરિવારને સરકારની કામગીરી અંગે સંતોષ નથી. સાથે જ આ કેસમાં 302ની કલમ ઉમેરી ફરીથી ચાર્જશીટ દાખલ થાય અને સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી પીડિત પરિવારને 2 કરોડની સહાયની માંગણી કોર્ટ અને સરકાર સમક્ષ મૂકીશું તેમ જણાવી આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા પણ માંગ કરી હતી.કૌભાંડીઓને બચાવવા માટે જ સીટની રચના થાય છે : પાલ આંબલિયાકોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં જે કરુણાંતિકાઓ બની છે તેના પીડિતા પરિવારો આજે પણ ન્યાય માટે કોર્ટમાં ધક્કા ખાય છે. ત્યારે સરકાર તપાસ માટે માનીતા અધિકારીઓની સીટમાં નિમણૂક કરવામાં આવે છે અને તપાસ સમિતિ ક્લિનચીટ સમિતિ બની જાય છે. ભાજપનો કોઈ હોદ્દેદાર આ દુર્ઘટનામાં સંડોવાયો હોય તો તેને ક્લિનચીટ આપવા માટે આ સમિતિ બનાવવામાં આવી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.મોરબીના ખૂણે ખૂણે પેમફ્લેટ વિતરણવડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરબીમાં મુકામ કર્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી શહેરના જુદા જુદા વિસ્તારો અને મુખ્ય ચોકોમાં ન્યાય યાત્રાના પેમ્પ્લેટ વિતરણ કરી લોકોને ન્યાયયાત્રામાં જોડાવા આહવાન કરશે.