મોરબી: મોરબીની ઓમશાંતિ વિદ્યાલય દ્વારા સ્ટાફના હિતમાં એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં વર્ષો સુધી સેવા આપી નિવૃત્ત થયેલા તમામ શિક્ષકો, પ્યુન અને અન્ય સ્ટાફ માટે સંસ્થાએ આજીવન પેન્શન યોજના અમલી બનાવી છે. મુખ્ય વિગતો:યોજનાનો પ્રારંભ: આ યોજનાનો અમલ ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી કરવામાં આવ્યો છે. લાભાર્થી: ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં નિવૃત્ત થયેલા અથવા નોકરી છોડેલા તમામ ૧૧ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. પેન્શનની રકમ: હાલમાં માસિક રૂ. ૩૦૦૦ પેન્શન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સમય જતાં મોંઘવારી મુજબ વધારો પણ કરવામાં આવશે. ગ્રેચ્યુટીનો વિકલ્પ: જે કર્મચારીઓને પેન્શન નથી જોઈતું, તેઓને ગ્રેચ્યુટી પેટે અંદાજે પાંચ લાખ રૂપિયા ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. સન્માનજનક નિવૃત્તિ માટેનું કદમઓમશાંતિ વિદ્યાલયના પ્રમુખ ટી.ડી. પટેલ દ્વારા આ અંગે ટ્રસ્ટમાં ઠરાવ પસાર કરી ત્વરિત અમલ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, જે સ્ટાફે વર્ષો સુધી સંસ્થામાં નિષ્ઠાપૂર્વક સેવા આપી છે, તેઓને નિવૃત્તિ પછી પણ આર્થિક સુરક્ષા મળે અને પરિવારમાં (વહુ-દીકરા પાસે) તેમનું માન-સન્માન જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે. જાન્યુઆરી માસના પેન્શનની રકમ સીધી જ સ્ટાફના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે. મોરબીમાં ખાનગી શાળાઓમાં સ્ટાફ માટે આ પ્રકારની ઉમદા પહેલ કરનાર ઓમશાંતિ વિદ્યાલય કદાચ પ્રથમ સંસ્થા બની છે. #MorbiUpdate #EducationNews #StaffWelfare #OmShantiVidhylaya