બેસતા વર્ષના દિવસે સવારે બાપાનું અવસાન થયું તેના સમાચાર મળતા માજીએ પણ સાંજે જીવ છોડ્યો મોરબી : કોઈપણ દંપતી અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા લેતી વખતે સાથે જીવવા મરવાના કોલ આપતા હોય છે. જોકે ઘણીવાર એવું બનતું હોય છે કે, પતિપત્ની વચ્ચે એવો ગાઢ પ્રેમ હોય છે કે જિંદગીભર સાથ નિભવ્યા બાદ મરતી વખતે પણ સાથ નિભાવે છે. આવી જ એક ઘટના મોરબીના નાગડવાસ ગામે પ્રકાશમાં આવી છે. જેમાં મોરબીના નાગડાવાસ ગામે વૃદ્ધ દંપતીએ જીવનભર એકબીજાના સુખદુઃખના સાથી બન્યા બાદ મૃત્યુમાં પણ સાથ નિભાવ્યો હતો. આ વૃદ્ધ દંપતીએ એક જ દિવસે વારાફરતી ફાની દુનિયા છોડી દીધી હતી. જેમાં વૃદ્ધ પતિનું બેસતા વર્ષના દિવસે સવારે અવસાન થયા બાદ આ દુઃખદ સમાચાર સાંભળતાની સાથે તેમના વૃદ્ધ પત્નીએ પણ અંનતની વાટ પકડી હતી. મોરબીના નાગડાવાસ ગામે રહેતા બીજલભાઈ રામભાઈ ડાંગર ઉ.વ.80 અને તેમના પત્ની પુરીબેન બીજલભાઈ ડાંગરે એક જ દિવસે વારાફરતી ફાની દુનિયા છોડી દીધી હતી. બન્યું એવું હતું કે, બીજલભાઈ ડાંગર કે તેમની પત્ની પુરીબેન જૈફવૈયે પહોંચી ગયા હોવા છતાં તંદુરસ્ત હતા અને આ વૃદ્ધ દંપતીને નખમાં પણ રોગ ન હતો પણ બન્ને વચ્ચે રહેલો અતૂટ પ્રેમ જ કારણે જ વૃદ્ધ દંપતીએ મૃત્યુની પળમાં પણ સાથ નિભાવ્યો હતો. જેમાં બેસતા વર્ષના દિવસે બીજલબાપા અચાનક પડી ગયા હતા. જેથી તેમને ગંભીર ઇજા થવાથી તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબે બીજલબાપાનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. હોસ્પિટલમાંથી પતિના મૃત્યુના વાવડ અવતાની સાથે ઘરે રહેલા તેમના પત્ની પુરીબેને પણ દેહત્યાગ કરી દીધો હતો. આમ થોડી જ વારમાં વૃદ્ધ દંપતીએ વારાફરતી અંનતની વાટ પકડી હતી. બાદમાં વૃદ્ધ દાંપતિની સજોડે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને તેમના પરિવારજનોએ ભારે શોક સાથે માતાપિતાની અંતિમક્રિયા કરી હતી. આ ધટનાથી તેમના પરિવારજનો અને સમગ્ર ગામમાં ભારે શોક ફેલાયો છે. આ વૃદ્ધ દંપતીએ દાંપત્યજીવનમાં તમામ ઉતાર ચઢાવમાં એકબીજાના સમદુખીયા બનીને સાથ નિભાવ્યો હતો અને મૃત્યુ વખતે પણ સાથ નિભાવ્યો હતો. લગ્ન થાય ત્યારે સપ્તપદીના ફેરા ફરતી વખતે લગ્નગ્રંથિથી જોડાનાર દંપતી જીવનભર એકબીજાના સાથ નિભાવવાના વચન આપે છે. આજ દાંપત્યજીવનની સાચી મૂડી છે. ત્યારે વૃદ્ધ દંપતીએ જીવનભરતો સાથ નિભવ્યો અને મૃત્યુ વખતે પણ સાથ નિભાવીને એક આર્દશ જીવન જીવી ગયા છે. જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમના પુત્રો દેવાયતભાઈ, ચંદુભાઈ અને વનરાજભાઈ સહિતના પરિવારજનોએ આદર્શ યુગલ તરીકે જીવન જીવીને પરિવારમાં ઉમદા સંસ્કરોનું સિંચન કરનાર દિવંગત માતાપિતા માટે ભારે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.