મોરબીને હળહળતા અન્યાય મામલે કોંગ્રેસના મેરેથોન ધરણામાં આજે માળીયા તાલુકાના આગેવાનો અને મોરબી વોર્ડ નંબર 4 અને 5ના આગેવાનો જોડાયા મોરબી : મોરબીને મળેલી સરકારી મેડિકલ કોલેજ સરકારે એક જ ઝાટકે છીનવી લઈ ખાનગી બ્રાઉન ફિલ્ડ મંજુર કરતા આ હળહળતા અન્યાય મામલે કોંગ્રેસે સતત અઠવાડિયા સુધી મેરેથોન ધરણા શરૂ કર્યા છે જે અન્વયે આજે માળીયા તાલુકાના આગેવાનો અને મોરબી વોર્ડ નંબર 4 અને 5ના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.દિવસે દિવસે ઉગ્ર બની રહેલા આ જનઆંદોલનમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા સરકારને સદબુદ્ધિ માટે હવન કરવા જાહેરાત કરી છે. મોરબી જિલ્લાની મંજુર થયેલી સરકારી મેડિકલ કોલેજ છીનવાઈ જતા કોગ્રેસ દ્વારા છ દિવસ સુધી અત્રેના શનાળા રોડ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ખાતે ઘરણા કરવામાં આવી રહ્યા છે જેમાં આજે ત્રીજા દિવસે મોરબી શહેરના વોર્ડ નંબર 4 અને 5ના આગેવાનો તેમજ વકીલ મંડળના પૂર્વ પ્રમુખની આગેવાનીમાં વકીલો પણ જોડાયા હતા. વધુમાં આજના ધરણા કાયક્રમમાં કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલ અને મનોજ પનારાની આગેવાનીમાં માળીયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી ધર્મેન્દ્ર વીડજા, ઇકબાલભાઇ જેડા, જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયા, અશોક કૈલા, સંદિપ કાલરીયા, કુલદીપસિહ જાડેજા, સતિષ વામજા, રાજુભાઈ દઢાણીયા, ધનજીભાઇ સરડવા, હરૂનભાઇ જેડા સહિતના માળીયા તાલુકા અને શહેરના આગેવાનો જોડાયા હતા. દરમિયાન મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં સરકાર લોકોની માગણીને ધ્યાનમાં લઇ તાત્કાલિક મોરબીને સરકારી મેડિકલ કોલેજ નહિ ફાળવે તો ગામે -ગામ અને શહેરની શેરી ગલી ગલીએથી લોકોને સાથે રાખી સરકાર સામે જલદ આંદોલન કરવામાં આવશે ઉપરાંત આંવતીકાલે શુક્રવારના રોજ ઘરણા છાવણીમાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે હવન કરવામાં આવનાર હોવાનું જાહેર કરી લોકોને મોટી સંખ્યામાં લોક લડતમાં જોડાવા આહવાન કર્યું હતું.