મોરબી : આજે રામનવમીના પાવન દિવસે મોરબીના લીલાપર રોડ સ્થિત ગેસ આધારિત સ્મશાન ગૃહમાં જન ઉપયોગી વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. આ સ્મશાન ગૃહમાં ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ ગેસ આધારિત સ્મશાન ગૃહમાં આજે ઓફિસ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વવાણીયાના દાતા સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજાના પરિવાર દ્વારા ટ્રસ્ટની જરૂરિયાત અનુસાર ઓફિસ બિલ્ડીંગ બનાવી ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે. ઓફિસ બિલ્ડિંગમાં ઓફિસ ઉપરાંત એક હોલ પણ બનાવ્યો છે જેનો ઉપયોગ સમાજ સેવાના કાર્યમાં થઈ શકશે. ઓફિસ ઉપર બે સ્ટાફ ક્વાર્ટર પણ બનાવાયા છે જેથી હવે સ્ટાફના લોકો 24 કલાક ફરજ બજાવી શકશે. આજે રામનવમીના પવિત્ર દિવસે નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, રામધન આશ્રમ મહેન્દ્રનગરના મહંત ભાવેશ્વરીબેન અને ગિરનારી આશ્રમના મહંત હંસાગીરી માતાજીની ઉપસ્થિતિમાં આ ઓફિસનું લોકાર્પણ કરાયું હતું. આ તકે તમામ સંતો મહંતોને સાલ ઓઢાડી ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરાયું હતું. ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડીયા દ્વારા દાતા પરિવારના જયુભા જાડેજાનું તથા ઉપપ્રમુખ ભરતભાઈ કારીયા દ્વારા દિલુભા જાડેજાનું સાફો પહેરાવી સન્માન કરાયું હતું.