વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે : ધો-૧૦માં બેની જગ્યાએ ત્રણ વિષયોની તથા ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં એકની બદલે બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે : ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશેમોરબી : કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.ધો-૧૦ માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ પ૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.