ભુજનું 170 કિલોમીટરથી વધુ અંતર લોકોને ભારે પડશે, સમય અને નાણાંનો વ્યય થવાની ભીતિ સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખી માંગ કરાઈમોરબી: તાજેતરમાં મોરબી જિલ્લાને રાજકોટ પોલીસ રેન્જમાંથી મુક્ત કરી કચ્છ (ભુજ) રેન્જ હેઠળ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોરબીની સ્થાનિક જનતા, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં નારાજગી જોવા મળી રહી છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબીના ઉપાધ્યક્ષ મેહુલ એમ ગાંભવા દ્વારા રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવીને પત્ર લખીને આ નિર્ણય રદ કરવા અને મોરબીને રાજકોટ રેન્જમાં જ રાખવા માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબીથી રાજકોટનું અંતર માત્ર 60 કિલોમીટર છે, જેથી સામાન્ય નાગરિકો ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં પોતાની રજૂઆતો માટે જઈ શકતા હતા. તેની સામે ભુજનું અંતર 170 કિલોમીટર કરતા પણ વધુ છે. ત્યાં આવવા-જવા માટે જ 5 થી 6 કલાક જેટલો સમય વેડફાઈ જશે. આ લાંબી મુસાફરી સામાન્ય લોકો, ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને ગરીબ વર્ગ માટે આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કષ્ટદાયક સાબિત થશે.વધુમાં પત્રમાં જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ રક્ષણ અને ઈંધણનો વપરાશ ઘટાડવાના વિઝનથી પણ આ નિર્ણય તદ્દન વિપરીત છે. નાની રજૂઆતો માટે 170 કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે તે ઉચિત નથી. ભૌગોલિક રીતે રાજકોટ નજીક હોવાથી પોલીસ તંત્ર વચ્ચે ઝડપી સંકલન અને કાર્યવાહી થતી હતી. ભુજ રેન્જમાં જવાના કારણે વહીવટી જટિલતાઓ વધશે અને કચ્છ રેન્જ આઈજી કચેરી પર વર્કલોડ વધવાની સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ જવાનો મોટો પડકાર ઉભો થશે.આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જનતાની સુવિધા, સમય અને નાણાંની બચત માટે આ નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરી મોરબી જિલ્લાને ફરીથી રાજકોટ પોલીસ રેન્જમાં જ યથાવત રાખવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #GujaratPolice #RajkotRange #BhujRange #MorbiNews #HarshSanghavi