મોરબી : આખાયે વિશ્વમા કોરોના વાયરસ નામના અતિ ગંભીર રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે મોરબીમાં પણ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગરીબ અને શ્રમિકવર્ગનું ધ્યાન રાખવું એ તંત્રની ફરજ બની જાય છે. ગરીબવર્ગ રોજ સવારે ઉઠીને કામ ઉપર જાય ત્યારે સાંજે રોટલા ભેગા થાય છે. સુખી સંપન્ન લોકોના ધરમાં બાર મહિના ચાલે તેટલુ રાશન હોય છે. જ્યારે શ્રમિક અને રોજનું કમાઈને રોજ હટાણું કરતો વર્ગ ખાસ કરીને બુટ-ચપ્પલ પોલિશ તથા રીપેર કરનારો વર્ગ, ભંગારની રેકડીઓ, ફળફુટ, શાકભાજીની લારીવાળા, છાપાંના છૂટ્ટક ફેરિયા, લોખંડના ભંગાર વાળા, સોડા સરબત સહિતના ઠંડાપીણાંના નાના ધંધાર્થીઓ, કડીયા કામ તેમજ સાથે માલ બનાવનાર દહાડી મજુરોને હજી સુધી કોઇએ પુછ્યુ નથી કે તમે જમ્યા કે નથી જમ્યા. તો આ લોકોના પરીવારોને કોણ પૂછશે ? ખાસ કરીને મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓની સુધ કોઈએ હજુ સુધી લીધી નથી. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને અમારી દર્દભરી નમ્ર અપીલ અને વિનંતી છે કે ઉપરોકત ધંધા વાળાને સરકાર તરફથી રોકડ સહાય મળવી જોઈએ તેવી અમારી માગણીઓ છે એમ સામાજિક કાર્યકર અને મોરબી ઓબીસી વિભાગના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહીયાએ જણાવીને આ બાબતે યોગ્ય વિચારણા કરવા અપીલ કરી છે.