કોંગ્રેસના આગેવાનો દર અઠવાડિયે એક રોડ ઉપર જઈ ત્યાંની ગંદકી અને દબાણો સહિતની સમસ્યાઓ તંત્રના ધ્યાને મુકશે મોરબી : મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ યોજી કાર્યવાહી કરવામાં આવે છે. તે રીતે હવે કોંગ્રેસ દ્વારા પણ આવી ઝુંબેશ યોજીને સ્વચ્છતાના નામે થતા નાટક ઉજાગર કરવામાં આવશે તેવી કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે હવે કોંગ્રેસ વન વિક વન રોડ ઝુંબેશ શરૂ કરશે. તેમાં સ્વચ્છતાના નામે થતા નાટક ઉજાગર કરવામાં આવશે. કોંગ્રેસની ટિમ દર અઠવાડિયે એક રોડ ઉપર જશે. ત્યાં સ્થાનિકોને મળશે તેઓની સમસ્યા સાંભળશે. આ સાથે આ રોડ ઉપરની ગંદકી, દબાણો તંત્ર સમક્ષ ઉજાગર કરશે. ઉપરાંત આ રોડ ઉપર તંત્રએ જે કામ કરવાના વચનો આપ્યા હશે અને તે અધૂરા હશે તો તે વચનો પણ તંત્રના ધ્યાને મુકશે.