લાતી પ્લોટની વર્ષોથી ભારે દુર્દશા, અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી ન હલતા વેપારીઓએ કંટાળી શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો : વાહનોના થપ્પા લાગ્યામોરબી : મોરબીમાં હવે તંત્રને ઢંઢોળવા ચક્કજામનો ટ્રેન્ડ બની ગયો હોય, તેમ હવે પાયાના પ્રશ્નોને લઈને લાતી પ્લોટના વેપારીઓએ આજે સવારે શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. જેને કારણે આજે સતત બીજા દિવસે પણ શનાળા રોડ ઉપર વાહનોના થપ્પા લાગ્યા છે. મોરબીમાં લાતી પ્લોટની છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ હાલત છે. તેવામાં ચોમાસામાં તો લાતી પ્લોટની દુર્દશા એ હદે વધી હતી કે વેપારીઓ રીતસરના રોષે ભરાયા છે. ત્યારે આજે રોષે ભરાયેલા વેપારીઓએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો છે. આ મામલે વેપારીઓએ જણાવ્યું કે તંત્રને માત્ર બાંધકામો પાડવામાં રસ છે. આના કરતાં તો નગરપાલિકા સારી હતી. એક પણ નેતા લાતી પ્લોટની દુર્દશા જોવા આવ્યા નથી. પૈસા ઘણા પાસ થયા છે પણ એક કામ થયું નથી. ચોમાસામાં 4 મહિના તો ધંધો બંધ જ છે. અગાઉ બ્રિજેશ મેરજાના હસ્તે ગટર અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત થયું હતું. હજુ કઈ કામ થયું નથી. તંત્રને ખબર જ છે કે ચોમાસામાં લાતી પ્લોટ પીડાવાનો છે. છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વિનોદભાઈ પટેલ નામના વેપાળીએ જણાવ્યું કે લાતી પ્લોટ-2માં મારી શોપ છે. 24 વર્ષથી હું અહીં છું. કોઈ દિવસ સારો રોડ જોવા મળ્યો નથી. રોડ- ભૂગર્ભ પાસ થઈ ગઈ પણ કોઈ કામ થયુ નથી. આ લોકોને માત્ર ચોમાસામાં જ કામ સુઝે છે. લાતી પ્લોટમાં સુવિધા આપે તેવી માંગ છે અમે સહનશીલ છીએ. આજ સુધી કઈ કર્યું નથી. પહેલી વાર અમારો આત્મા જાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કન્યા છાત્રાલય રોડની ખરાબ હાલતને કારણે સ્થાનિકોએ બે કલાક સુધી શનાળા રોડ ચક્કાજામ કર્યો હતો. ત્યારે મહાપાલિકાએ તાબડતોબ કામ શરૂ કરાવ્યું હતું. ત્યારે હવે લાતી પ્લોટના વેપારીઓએ પણ મહાપાલિકાને ઢંઢોળવા ચક્કાજામનો માર્ગ અપનાવ્યો છે.