બન્ને ગામના ગ્રામજનોએ સરપંચ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખનીજચોરી બંધ કરાવવા આપ્યું અલ્ટીમેટમ મોરબી : ટંકારા તાલુકના સજનપર અને ધુનડા ગામ નજીકના વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ થતી ખનીજ ચોરી મામલે આજે કંટાળેલા બન્ને ગામના નાગરિકોએ સરપંચને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દિવસ ચારમાં ગ્રામજનો માટે જોખમી બનેલા ખનીજચોરો ને ઝેર કરવામાં નહીં આવે તો હવે જનતારેડ કરી ખનીજચોરી કરતા વાહનોને અટકાવી ખનીજ ચોરી બંધ કરાવવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. ટંકારા તાલુકાના સજનપર અને મોરબી તાલુકાના ધુનડા ગામની હદમાં લાંબા સમયથી બેફામ ખનીજ ચોરી થઇ રહી છે. ખાસ કરીને જડેશ્વર નજીક ખનીજ માફિયાઓ દ્વારા તંત્રની શેહ શરમ રાખ્યા વગર ખનીજ ચોરી કરી ઓવરલોડ વાહનો હંકારવામાં આવતા હોવાથી લજાઈ, હડમતીયા, જડેશ્વર અને વાંકાનેરને જોડતા માર્ગનું નિકંદન નીકળી ગયું હોવાનું ગ્રામજનોએ રોષ પૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત બેફામ ખનીજચોરીના કારણે ગરીબ લોકોને આપવામાં આવેલ 100 ચોરસવારના પ્લોટની જમીન પણ હડપ થઈ ગઈ હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુમાં ટંકારા તાલુકાના સજનપર ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં હાજર બન્ને ગામના ગ્રામજનોએ તંત્રને ચાર દિવસમાં ખનીજચોરી બંધ કરાવી ખનીજ ચોરી માટે વપરાતા જેસીબી, હિટાચી ડમ્પરો કબ્જે કરવાની સાથે ખનીજચોરીમાં સંડોવાયેલ લોકોને જેલભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી અને જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો બન્ને ગામના લોકો દ્વારા જનતા રેડ કરી આ મુખ્ય રોડ ઉપરથી ખનીજચોરી કરતા વાહનોને અટકાવવામાં આવશે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરી તંત્રને ઢંઢોળવા આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.