ક્લસ્ટર ઓફિસો પર સવારે ૧૦:૩૦થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી વેરા સ્વીકારાશે મોરબી: મોરબી મહાપાલિકાએ શહેરના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે નવી વિકલ્પોની જાહેરાત કરી છે. મહાપાલિકાએ તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને ઝડપી અને સુવ્યવસ્થિત સેવાઓ પૂરી પાડવાના હેતુથી જણાવ્યું હતું કે પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે, નાગરિકો હવે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ઉપરાંત, શહેરભરમાં સ્થાપિત ૧૧ ક્લસ્ટર ઓફિસો ખાતે પણ ટેક્સ ભરી શકશે. આ ક્લસ્ટર ઓફિસો પર સવારે ૧૦:૩૦ થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે.આ ઉપરાંત, મોરબી મહાપાલિકાએ મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવી છે. આ એપ્લિકેશન પ્લે સ્ટોર પર 'Morbi Municipal Corporation' લખીને શોધી અને ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશનમાં મહાનગરપાલિકાનો લોગો દર્શાવેલ છે. આ એપ્લિકેશનમાં 'પ્રોપર્ટી ટેક્સ' વિભાગમાં જઈને મિલકત નંબર દાખલ કરીને નાગરિકો સરળતાથી પોતાનો મિલકત વેરો ઓનલાઈન ભરી શકશે. મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ https://mmcgujarat.in/ પરથી પણ માહિતી મેળવી શકાશે. મહાનગરપાલિકા દ્વારા આ સુવિધાઓનો લાભ લેવા માટે તમામ નાગરિકોને અપીલ કરાઈ છે.