વાહનમાલિક, ડ્રાઇવર, કંન્ડકટર કે પેસેન્જર પાસેથી એમ ડબલ દંડ નહીં લેવાય : મોટર વાહન અધિનિયમન - 1988 હેઠળના ગુન્હાઓ અન્વયે વસુલાત કરવા અંગે સરકારનો નિર્ણય મોરબી : માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ્સ એકટ નં. 32/2019થી મોટર વાહન અધિનિયમ, 1988માં સુધારા કરવામાં આવેલ હતા. આ સુધારાના અમલીકરણ માટે ગુજરાત સરકારે અનેકવિધ પગલાં લીધા છે. આ તમામ પગલાંઓમાં નાગરિકોને બિનજરૂરી પરેશાની ન થાય તે દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખેલ છે. ગુજરાત સરકારે નવા કાયદાના અમલીકરણના અનુસંધાને ટ્રાફિક ગુન્હાઓમાં સ્થળ, દંડ/માંડવાળ ફીના સરળ દરો અમલી બનાવેલ છે. આ જ પ્રક્રિયામાં આગળ વધતાં ટ્રાફિક ગુન્હાઓમાં ખરેખર જવાબદાર ડ્રાઇવર, માલિક કે વાહન સંબંધિત જવાબદારીઓ કાયદાકીય જોગવાઇઓ અનુસાર સ્પષ્ટ થાય તથા અર્થઘટનના ગુંચવાડા ઉભા ન થાય તે ધ્યાનમાં લઇ સરકારે ટ્રાફિક ગુન્હાઓ માટે ખરેખર જવાબદાર હોય, તેની પાસેથી માંડવાળ ફી વસુલ કરવાની જોગવાઇઓ નકકી કરતો ઠરાવ તા. 26/11/2020થી બહાર પાડેલ છે. આ ઠરાવની અમલવારી થતા હવે પછી અમુક જોગવાઇ સિવાય મોટાભાગના ગુન્હાઓ માટે વાહનમાલિક, ડ્રાઇવર, કંન્ડકટર કે પેસેન્જર પાસેથી એમ ડબલ દંડના બદલે ગુન્હા માટે જવાબદાર વ્યકિત પાસેથી જ દંડ વસુલ કરવામાં આવશે. આ નિર્ણયથી જાહેર જનતાની ટ્રાફિક ગુન્હાઓ અંગે સભાનતા વધશે અને દંડની વસુલાતમાં પારદર્શીતા આવશે. એમ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અખબારી યાદીથી જણાવવામાં આવેલ છે.