2022માં મુખ્યમંત્રીના હસ્તે 124 વિચરતા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા, પણ પ્લોટ આસપાસના વિસ્તારોમાંથી વિરોધ થતા પ્લોટની ફાળવણી જ ન થઈ, વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલ પટેલે આ પરિવારોની મુલાકાત લીધીમોરબી : મોરબીના ત્રાજપર અને રવાપર સહિતના વિસ્તારો પાસે અનેક વિચરતા પરિવારો ઝૂંપડા બાંધીને રહે છે. વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલ પટેલ દ્વારા આ પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓની વેદના સાંભળવામાં આવી હતી. આ વેળાએ ત્યાંના લોકોએ દિલ ખોલીને ભાવુક થઈને પોતાની વેદનાઓ વર્ણવી હતી. બાદમાં આ વેદનાઓ મિત્તલ પટેલે જિલ્લા કલેકટર સુધી પહોંચાડી હતી.આ અંગે મિત્તલ પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જણાવ્યું છે કે મોરબીના ત્રાજપરમાં રહેતા ફુલીબેન સરાણિયાએ ભારે હૈયે કહ્યું કે “હવે તો ઉપાડીને પાકીસ્તાન નાખી આવે તો હારુ. પારકા દેશના આવો વ્યવહાર કરે તો વેઠાશે પણ પોતાનાનો નથી વેઠતો” એમનું આવું કહેવું એક રીતે વ્યાજબી પણ ખરુ.2022માં મુખ્યમંત્રીના હસ્તે 124 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. પણ જ્યાં પ્લોટ ફળવાયા ત્યાંના લોકોએ આ પરિવારોના વસવાટ સામે વિરોધ કર્યો ને વાત ખોરંભે ચડી. હાલ આ 124 પરિવારો મોરબી આસપાસમાં બસ રઝડ્યા કરે છે.હાલ રવાપરમાં રહેતા આ પરિવારોને મળી ત્યારે એમણે રોષ સાથે કહ્યું, “ચોમાસામાં અમારી વસાહતમાં આવો તો અમારી સ્થિતિનો સાચો ખ્યાલ આવે. વરસતા વરસાદમાં રાંધવું ક્યાં? એરુ તો આ અવાવરુ જગ્યામાં નિત નીકળે. રાતના ખાટલા નીચે પગ મુકતા બીક લાગે. ભઈ સાબ બહુ વેઠ્યું. સરકારે નક્કી કરેલી જગ્યા ન અપાય તો બીજે ક્યાંક આપો પણ અમને ઠેકાણે પાડો.”અમે જિલ્લા કલેક્ટરને મળ્યા ને અન્ય કોઈ જગ્યાએ આ પરિવારોને ઝટપથી ખસેડવા વિનંતી કરી. એમણે પણ આ દિશામાં ઝડપથી કામ કરશે એમ જણાવ્યું. આમ તો વંચિતોના દ્વારે એમની સાચી સ્થિતિનો ચિતાર લેવા ચોમાસામાં ખાસ જવું. એમની જીંદગી જોયા પછી કશું ન કરીએ તો આપણે ઢીઢ કહેવાઈએ એવું લાગણીસભર વ્યક્તિ હોય તો થશે જ. ખેર સરકારને અને આદરણીય મુખ્યમંત્રીને પણ આ પરિવારોને ઝડપથી એવી જગ્યા આપવા વિનંતી જ્યાં એમનો સ્વીકાર થાય. કોઈ એમને કનડે નહીં. ને સમાજને પણ સંકુચિતામાંથી બહાર આવવા વિનંતી. આ બધા આપણા જ પરિવારો છે. એમને આમ હડહડ કરી કાઢી મુકતા પહેલા એમની જગ્યાએ આપણી જાતને એક વખત ચોક્કસ મુકવાનું કરીએ. તેમ અંતમાં મિત્તલ પટેલે જણાવ્યું હતું.