ટ્રાફિક શાખા દ્વારા વધુ એક રિકવરી સેન્ટર શરૂ કરાયું મોરબીઃ મોરબી જિલ્લાના નાગરિકોને વાહનના દંડનો ઈ-મેમો ભરવામાં સુગમતા રહે તે માટે ટ્રાફિક શાખા દ્વારા વધુ એક સેન્ટર કાર્યરત કરાયું છે. જેથી હવે નાગરિકો શનાળા પોલીસ ચોકી ખાતે પણ ઈ-મેમો ભરી શકશે. મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇસ્યુ થયેલા ઈ-મેમોનો દંડ ઓફલાઈન ભરવા માટેનું રિકવરી સેન્ટર હાલ ટ્રાફિક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે મોરબી-2 ખાતે કાર્યરત છે. મોરબી જિલ્લાના નાગરિકોને ઇ-મેમો ભરવામાં સુગમતા રહે તે માટે ટ્રાફિક શાખા દ્વારા વધુ એક ઇ-ચલણ રિકવરી સેન્ટર શનાળા પોલીસ ચોકી ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે શરૂ કરવામાં આપ્યું છે. આ રિકવરી સેન્ટર ખાતે નાગરિકો સવારે 10 થી સાંજના 06:00 સુધી ઈ-ચલણ દંડની રકમ રોકડમાં ભરપાઈ કરી શકશે વધુમાં જે કોઈનું ચલણ ખોવાઈ ગયું હોય તેઓ પણ રિકવરી સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત કરી વાહનના નંબર પરથી બાકી ઈ-ચલણની રકમ ભરપાઈ કરી શકશે. આ ઉપરાંત કેટલા ઈ-ચલણ ભરપાઈ કરવાના બાકી છે તે પણ જાણી શકશે. આ ઉપરાંત આપેલી https://echallanpayment.Gujarat.gov.in લિન્ક પરથી પણ ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે.