પિતરાઈ ભાઈએ વ્યાજખોરો વિરુદ્ધ કરેલી ફરિયાદ બાદ પેટ્રોલપંપ સંચાલકને ફોનમાં ધમકી આપીમોરબી : મોરબીમાં કાયદાનો જરાપણ ડર ન હોય તેમ દર મહિનાને બદલે હવે તો દસ દસ દિવસે 30થી 40 ટકા પઠાણી વ્યાજ વસૂલતા લોહી તરસ્યા વ્યાજખોરોએ માઝા મૂકી છે, ગત અઠવાડિયે મોરબીના આવ જ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર વેપારી યુવાનના પિતરાઈ ભાઈને તૈયારીમાં રહેજો, જે ધારાસભ્ય અને સાંસદે તમને ફરિયાદ કરવાનું કહ્યું છે ને એને પણ કહી દેજો જે ઊખાડવું હોય એ ઉખાડી નાખી કહી જાનથી પતાવી દેવા ટેલિફોનિક ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સરદાર બાગ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતા પેટ્રોલપંપ સંચાલક ભાવિનભાઈ ભાઈચંદભાઈ ખંધેડિયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અમિત દેવાભાઇ અવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પિતરાઈએ આરોપી અમિત અવાડિયા તેના પિતા દેવાભાઈ અવાડિયા સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય જેનો ખાર રાખી આરોપી અમિત દેવાભાઈ અવાડિયાએ ગત તા.9ના રોજ તેઓ જ્યારે તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે મોબાઈલ ફોનમાં ફોન કરી કહ્યું હતું કે, મારા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તમે બહુ ખોટું કર્યું છે, હવે તમે તૈયારીમાં રહેજો, જે ધારાસભ્ય અને સાંસદ સભ્યએ તમને પોલીસ ફરિયાદ કરવા કહ્યું છે એને પણ કહી દેજો અને આ ફોનનું રેકોર્ડિંગ કરી લેજો તેમજ બીજી પોલીસ ફરિયાદ પણ કરી નાખજો જે ઉખાડવું હોય તે ઉખાડજો અને પરિણામ ભોગવવા તૈયાર રહેવા કહી આ તમારે આજીવન ભોગવવું પડશે તેવી ધમકી આપતા ભાવિનભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.