અગાઉ અપાયેલી નોટિસના પરિણામે ૨૫ કોમ્પ્લેક્સ અને ૧૩ સમાજવાડીઓએ ફાયર સિસ્ટમ લગાવીમોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરભરમાં ૨૨ જુલાઈ, ૨૦૨૫ થી ૨૮ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન, ફાયર પ્રિવેન્શનની તાલીમ, ફાયર સેફ્ટી સર્ટીફીકેટનું ચેકિંગ અને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વધુ ૩૬ બિલ્ડીંગોને ફાયર સેફટીની નોટિસ અપાઈ છે.અગ્નિશમન શાખા દ્વારા એક હોસ્પિટલના ૯ કર્મચારીઓને અને ચાર શાળાઓના ૧૭૬૫ બાળકોને ફાયર પ્રિવેન્શન અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આગ સામે સુરક્ષિત રહેવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને કટોકટીના સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા વિશે માહિતગાર કરવાનો છે.વધુમાં પ્રિવેન્શનના ભાગ રૂપે, સમાજવાડીઓ, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડિંગોના ફાયર સેફ્ટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન, ૩૬ બિલ્ડિંગોને ફાયર NOC ન ધરાવવા બદલ નોટિસ આપવામાં આવી હતી. તેમજ તેમને પ્રિવેન્શનને લગતા સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ પૂરી પાડવામાં આવી હતી. અગાઉ અપાયેલી નોટિસના પરિણામે, ૨૫ કોમ્પ્લેક્સ અને ૧૩ સમાજવાડીઓએ ફાયર સિસ્ટમ લગાવી દીધી છે અથવા તેનું કામ ચાલુ છે. મોરબી જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા હતા. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવવામાં આવ્યો હતો. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ - (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ ઉપર સંપર્ક કરી શકો છો. તેમ યાદીમાં જણાવાયું છે.