જિલ્લા કલેકટરના અધ્યક્ષ સાથે તમામ વિભાગના અધિકારીઓની બેઠકમાં સિલ કરવાની કાર્યવાહીનો અપાયો આદેશ, પ્રતિબંધિત જાહેરનામું પણ પ્રસિધ્ધ કરાયું મોરબી : મોરબીમાં ફાયર સેફટી અંગે 98 સંસ્થાઓને નોટિસો ફટકારવામાં આવી છે. વધુમાં આ તમામ મિલ્કતોને સિલ કરી દેવનો પણ જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ સાથે જિલ્લા કલેકટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ફાયર સેફટીના સાધનો વગરની સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. સુરતની દુર્ઘટના બાદ મોરબી જિલ્લામાં તંત્રએ હરકતમાં આવીને ફાયર સેફટીમાં લોલમલોલ કરતી સંસ્થાઓ સામે લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ફાયર સેફટી વિહોણી 98 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં 58 ટ્યુશન કલાસ, 14 શૈક્ષણિક સંકુલ, 5 રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ તેમજ 20 હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફાયર સેફટી મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચીફ ઓફિસર, મામલતદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હેલ્થ, શિક્ષણ, રેવન્યુ અને પાલિકા વિભાગની ટીમો બનાવાઈ હતી. આ સાથે જિલ્લા કલેકટરે ફાયર સેફટી વિહોણી તમામ સંસ્થાઓને સિલ કરવાની કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા ફાયર સેફટી મુદ્દે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે જયાં સુધી સંસ્થાઓ ફાયર સેફટીની તમામ વ્યવસ્થાઓ ઉભી કરીને એનઓસી નહિ મેળવે ત્યાં સુધી તે સંસ્થાઓ ઉપર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું ૨૩ જુલાઈ સુધી અમલમાં રહેવાનું છે.