વાંકાનેરના મેસરિયા ગામે બનેલો બનાવ : જાનથી મારી નાખવા પણ ધમકી આપી વાંકાનેર : આજના આ સમયમાં સલાહ, શિખામણ દેવી પણ ગુન્હો ગણાતો હોય તેવી સ્થિતિમાં વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે કોઈ કામધંધો ન કરતા સગાભાઈને રખડવાને બદલે કામે ચડી જવાનું કહેનાર ભાઈને ભાઈએ જ ધોકાવી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા સુભાષભાઇ ભગવાનભાઇ સાકરીયાનો સગો ભાઈ રોહીતભાઇ ભગવાનભાઇ સાકરીયા છેલ્લા ઘણા સમયથી કઈ કામધંધો કરવાને બદલે રખડતો હોય સુભાષભાઇએ કઈક કામધંધો કરવા સલાહ આપી હતી. વધુમાં કામધંધો કરવા ભાઈએ સલાહ આપતા જ રોહીત ગુસ્સે ભરાયો હતો અને પોતાના જ સગાભાઈ એવા સુભાષભાઈને ગાળો બોલી, ઢીકા પાટુનો મુંઢ માર મારી ધોકાનો એક ઘા છાતીમાં મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે સુભાષભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.