હવે જો ડેમુ ટ્રેન ફરીથી બંધ કરવામાં આવશે તો પ્રજા સાથે મળીને 'રેલ રોકો' આંદોલન કરવાની ચીમકીમોરબી: મોરબી અને વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનને અવારનવાર બંધ કરી દેવાતા મોરબીની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ આ મામલે કેન્દ્ર સરકાર પર મોરબીની પ્રજા સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો ડેમુ ટ્રેન ફરીથી બંધ કરવામાં આવશે તો પ્રજા સાથે મળીને 'રેલ રોકો' આંદોલન કરવામાં આવશે.તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મોરબીની પ્રજા લાંબા અંતરની ટ્રેનોની માંગ કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણી સ્વીકારવામાં આવતી નથી. વધુમાં, મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન મેન્ટેનન્સના બહાના હેઠળ વારંવાર બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે નોકરિયાત અને અન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમણે ઉમેર્યું કે હવે રેલવે દ્વારા ઇલેક્ટ્રિક લાઇન કાર્યરત થઈ ગઈ છે, તો ડીઝલ એન્જિનને બદલે ઇલેક્ટ્રિક એન્જિનથી ડેમુ ટ્રેન દોડાવવી જોઈએ. રેલવે અધિકારીઓના મનસ્વી નિર્ણયોને કારણે ટ્રેન વારંવાર બંધ થતા મોરબીની પ્રજામાં ભારે નારાજગી છે.