રામ નામ મે લીન હૈ; દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું; જય જય શ્રી જલારામ. (જાગૃતિ તન્ના 'જાનકી') : સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુરની વચ્ચે આવેલું ગામ વિરપુર જે શ્રી રામ ભક્ત પૂજ્ય જલારામ બાપાના નામથી આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આજે કારતક માસની સાતમના પૂજ્ય દિવસે લોહાણા કુળના દિપક એવા જલારામ બાપાની 220 મી જન્મજયંતિ ના અવસર પર એમ કહેવાનું મન થાય કે માત્ર ભજવા પૂરતું જ નહીં પણ આચરણમાં મૂકવા જેવું નામ એટલે જલારામ. 1799ની સાલ, કારતક સુદ સાતમ ને તારીખ 4 નવેમ્બર, ના રોજ અત્યંત ધાર્મિક એવા માતા રાજબાઈ ને પિતા પ્રધાન ઠકકર ના ઘેર પૂજ્ય જલારામ બાપા નો જન્મ થયો. જલારામ બાપા ને નાનપણથી જ પિતા ની દુકાનમાં કોઈ રસ ન હતો તેમને મન તો યાત્રિકો ને સાધુ સંતોની સેવામાં જ સાચો આનંદ હતો. 1816 માં 16 વર્ષની ઉંમરે જલારામ બાપા ના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠકકરની પુત્રી વિરબાઈ સાથે કરવામાં આવ્યા. ધાર્મિક વૃતિના વિરબાઈ પણ લગ્ન બાદ સંસારીવૃતિઓથી વિરક્ત રહી જલારામ બાપા સાથે ગરીબો અને જરુરિયાતમંદોની સેવામાં જોડાયા. જલારામ બાપા એ 18 વર્ષની ઉંમરે ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતને ગુરુ બનાવી તેમની પાસેથી ગુરુ મંત્ર, માળા ને શ્રી રામનું નામ મેળવ્યું અને તેમના આશીર્વાદથી જ માત્ર 20 વર્ષની ઉંમરે તેમણે વિરબાઈ સાથે વિરપુરમાં 24 કલાક સદાવ્રતની શરૂઆત કરી. જલારામ બાપા એ હંમેશા માનવધર્મ ને ઉપર રાખ્યો છે અને તેમના જીવન પરથી આપણને પણ એ જ શીખ આપે છે. તેમને ત્યાં નાત, જાત, અમીર, ગરીબ કોઈપણ જાતના ભેદ ન હતા. તેમણે હરજી નામ ના દરજીના પિતાની અત્યંત ખરાબ તબિયત સાજી કરેલી તો જમાલ નામના મુસ્લિમ વેપારીના પુત્રની ગંભીર બીમારી પણ દૂર કરેલી. આ હરજી નામના દરજીએ જ સૌપ્રથમ જલારામ બાપાના પગે પડીને તેમને 'બાપા' નું સંબોધન કરેલું. તો જમાલે બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરીને 'જલા સો અલ્લાહ' નું સંબોધન કરેલું. ને જલારામ બાપા ના સદાવ્રતમાં ત્યારથી લઈને આજ સુધી દરેક વ્યકિત ને એક જ પ્રસાદ આપવામાં આવે છે, પછી તે અમીર હોય કે ગરીબ. કેમ કે બાપાના કહ્યા મુજબ દરેક વ્યકિતમાં રામ હોય છે. માટે ક્યારેય પણ આપણા ઘેર આવેલ અતિથિમાં ભેદ કરવો નહીં. એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું સ્વરૂપ લઈને બાપા પાસે આવેલા અને પોતાની સેવા કાજે બાપા પાસે પત્ની વિરબાઈનું દાન માગ્યું. ત્યારે જલારામ બાપા ધાર્મિક વૃતિના હોવા છતા તેમણે પત્ની વિરબાઈ સાથે ચર્ચા કરી અને વિરબાઈ મા એ હા પાડી એટલે તેમણે પત્ની વિરબાઈને દાનમાં આપ્યા. આટલા વર્ષો પહેલા તે જમાનામાં પણ તેમણે પત્નીની ઈચ્છા શું છે એ જાણવાની તકેદારી રાખી. બાકી તો આજના જમાનામાં પણ એક સ્ત્રીની ઈચ્છાને મહત્વહીન ગણનારાઓની કમી નથી. તો વિરબાઈ મા પણ હંમેશા સેવાકાર્યોમાં બાપા ના અડધા અંગ તરીકે તેમની સાથે રહેતા. તેઓ બંને સંસારીવૃતિઓથી પર રહીને પણ એક આદર્શ દંપતી હતા. જ્યારે વિરબાઈ સંત સાથે ચાલી નીકળ્યા ત્યારે રસ્તામાં એક જંગલમાં તે સંત અદ્રશ્ય થયા અને આકાશવાણી દ્વારા જણાવ્યું કે હું માત્ર તમારી પરીક્ષા લેવા આવ્યો હતો અને આ ઝોળી ને દંડો તમને મારા આશીર્વાદ રૂપ ભેટ. આજ સુધી તે ઝોળી અને દંડો વિરપુરમાં સચવાયેલા છે. જલારામ બાપા અને વિરબાઈ મા ની એકમાત્ર પુત્રી જમનાબાઈ. સામાન્ય રીતે લોકો પોતાના કુળનું નામ હંમેશા જીવંત રહે માટે પુત્રની ઝંખના કરતા હોય છે. આજના આધુનિક જમાનામાં પણ પુત્ર જન્મની ઘેલછા રાખનાર અને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરનાર લોકોની કમી નથી. ત્યારે જલારામ બાપાએ એ વાત સિદ્ધ કરી દીધી છે કે કુળનું નામ સારા કર્મોથી ઉજળું અને જીવંત રહે છે, પછી ભલે સંતાનમાં પુત્ર હોય કે પુત્રી. તેમના 81 વર્ષની ઉંમરે 23 ફેબ્રુઆરી, 1881 ના રોજ વૈંકુઠ સિધાવ્યા બાદ આજે 140 વર્ષ પછી પણ તેમનું નામ આખા વિશ્વમાં ગુંજે છે. આજે તેમની 220 મી જન્મજયંતિ છે ત્યારે જલારામ બાપાએ 20 વર્ષની ઉંમરે શરૂ કરેલ સદાવ્રત આજે 200 વર્ષથી અવિરતપણે ચાલુ છે. અને વિરપુર એ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભક્તો પાસેથી કોઈપણ જાતનું દાન સ્વીકારવામાં નથી આવતું. વર્ષ 2000 માં જાહેરાત કરવામાં આવી હતી કે મંદિર પાસે આવનાર 100 વર્ષ સુધી સદાવ્રત ચાલી શકે એટલું દાન આવી ચૂક્યું છે માટે હવેથી ભક્તો એ કોઈપણ જાતનું દાન આપવું નહીં. અંતિમ વાત : દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ. - જલારામ બાપા તો જલારામ બાપા ના આ વાક્યને હંમેશા યાદ રાખીએ અને અન્નનો જરા પણ બગાડ ન કરીએ કારણકે, આપણા માટે જે થોડું હોય તે અન્યો માટે ભૂખ સંતોષવા પૂરતું હોય છે. - જાગૃતિ તન્ના 'જાનકી'