તા.13 થી 17 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમી લોકમેળાનું થયું હતું આયોજન મોરબી : મોરબીમાં જન્માષ્ટમી પર્વે મહાનગર પાલિકા દ્વારા તા. 13 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન પંચાસર રોડ ઉપર નંદીઘર ખાતે વિવિધ રાઇડ્સ અને સ્ટોલ્સ સાથે ભવ્ય જન્માષ્ટમી લોકમેળા યોજવા આયોજન ઘડી કાઢી સ્ટોલ-પ્લોટ માટે ધંધાર્થીઓને આમંત્રિત કર્યા હતા પરંતુ મુદત વીતવા છતાં એક પણ ધંધાર્થીઓએ રસ ન દાખવતા હવે મેળો યોજવા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.મોરબી મહાનગર પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર આવેલ નંદીઘર ખાતે તા.13થી 17 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજવા આયોજન કરી મેળાનું ગ્રાઉન્ડ રાખવા ઇચ્છુક ધંધાર્થીને તા.5 ઓગસ્ટના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં ટેન્ડર ફોર્મ મેળવવા આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તા.5 ઓગસ્ટ સુધીમાં એક પણ ધંધાર્થીએ રસ દાખવ્યો ન હોવાનું સામે આવ્યું છે.દરમિયાન મોરબી મહાનગર પાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે,નિયત કરેલી સમય મર્યાદામાં એક પણ વ્યક્તિ દ્વારા ટેન્ડર લેવામાં આવ્યા નથી જેથી આ વર્ષે મેળો યોજવાની શક્યતા ઓછી છે. જો કે, હજુ પણ મહાનગર પાલિકા દ્વારા લોકમેળાના આયોજન અંગે વિચારણા ચાલુ છે અને હજુ આખરી નિર્ણય લેવાયો ન હોવાનું જણાવી આ વર્ષે મેળો યોજવાની શક્યતા નહિવત હોવાના સંકેત આપ્યા હતા.