પશ્ચિમ બંગાળની ઘટનાના આરોપીઓને કડક સજા આપોઃ IMA મોરબીમોરબી : પશ્ચિમ બંગાળમાં RG કર મેડિકલ કોલેજના ટ્રેઈની મહિલા ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે મોરબીમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે ઓપીડી સેવા બંધ કરીને જિલ્લા સેવા સદન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી ઓપીડી બંધ રાખી હડતાળ પાડી અને કલેકટરને આવેદન આપી આ ઘટનાના આરોપીની ઝડપથી પકડી તેને સજા કરવાની માંગ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ડોક્ટરે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. નો સેફ્ટી, નો ડ્યુટી.. મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવો... જવાબદારોને ફાંસીની સજા આપો.. સહિતના નારાઓ લગાવીને ન્યાયની માગ કરવામાં આવી હતી.આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાંચના ડોક્ટર દ્વારા જણાવાયું હતું કે, આજે 17 ઓગસ્ટે સવારના 6 વાગ્યાથી આવતીકાલે 18 ઓગસ્ટ ને સવારના 6 વાગ્યા સુધી હોસ્પિટલમાં ઓપીડી અને રૂટિન સર્વિસ બંધ કરી છે. પશ્ચિમ બંગાળમાં બનેલી આ ઘટનાના જવાબદાર લોકોને છાવરવામાં આવી રહ્યા છે તેઓને તાત્કાલિક પકડીને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. આ ગેંગરેપની ઘટના હતી તેથી આ ઘટનામાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા છે તે તમામને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. મહિલા ડોક્ટરે જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓની સુરક્ષા બાબતે વિચારવું જોઈએ.